વડોદરાનાં બે તબીબ વિદ્યાર્થીના નદીમાં ડૂબવાથી મોત નિપજયાં
વડોદરા: વડોદરાનાં ૧૨ તબીબ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ રસુલપુર ફરવા ગયા હતા. સાવલીના રસુલપુર ખાતે મહીસાગર નદીમાં આ મિત્રો નાહવા પડ્યા હતા. તે દરમિયાન ડૂબવાથી એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થીને ગામ લોકોએ બચાવી લીધો છે.
આ અંગેની જાણકારી આપત એડમિનિશસ્ટ્રેશન ઓફિસર,ડો.ઓ.બી.બેલિમે કહ્યું કે, વડોદરા એસએસજી હોસ્પિટલનાં ૧૨ તબીબ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ ફરવા નીકળ્યા હતા. જેમાં આજે સવારે સાવલીનાં રસુલપુર ખાતે મહીસાગર નદીમાં નાહવા પડ્યા હતા. જ્યાં નદીમાં અચાનક વહેણ આવી જતા ત્યાં નાહકા અનેક લોકો પાણીમાં ખેંચાયા હતા. પરંતુ તેમાંથી આ બે વિદ્યાર્થીઓ ઉંડે સુધી પાણીનાં વહેણમાં ખેંચાયા હતા. જેના કારણે તેમનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, વડોદરાની એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૧૨ વિદ્યાર્થીઓ રસૂલપુર ખાતે ફરવા ગયા હતા. તેઓ હેલી સવારે ૬ વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. રસુલપુર પહોંચીને તમામ વિદ્યાર્થીઓ નદીમાં નાહવા ગયા હતા. આ દરમિયાન નદીમાં પાણીનું વહેણ એકદમ વધી જતા ત્રણ વિદ્યાર્થીઓ પાણીમાં તણાયા હતા. બીજા વિદ્યાર્થીઓ પણ પાણીમાં ખેંચાયા હતા.
પરંતુ નદીનાં ઉંડાણમાં જતા રહેવાથી આ બે વિદ્યાર્થીઓ અમોડ ગોયલ અને સિદ્ધિ શાહનું પાણીમાં ડૂબી ગયા હતા.આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક ગ્રામજનોને મદદ માટે બોલાવ્યા હતા. સ્થાનિકોએ અન્ય એક વિદ્યાર્થીનો જીવ બચાવી લીધો હતો.
આ સાથે ગ્રામજનોએ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ બંને ડૂબેલા યુવક યુવતીને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. બંને મૃતક વિદ્યાર્થીઓ સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી છે. જેમના પરિવારજનોને તેમના મોત વિશે જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે પણ આ અંગેની તપાસ હાથ ધરી છે.