Western Times News

Gujarati News

વડોદરાના ઇસમોને ચરસનો જથ્થો સપ્લાય કરનાર ખેડાના સન્ની પટેલની ધરપકડ

વડોદરા, વડોદરાના દશરથ ગામ નજીક આવેલા ચંપલના કારખાનામાંથી છાણી પોલીસે ચરસનો જથ્થો ઝડપી કારખાનાના માલિક અને ચરસ લેવા આવેલા એક ગ્રાહકને ઝડપી લીધા બાદ ચરસનો જથ્થો આપનાર શાહનવાઝ ઉર્ફે શાનુ અને પાર્થ કાલેને ઝડપી પાડ્યા હતા. દરમ્યાન ચરસનો જથ્થો સપ્લાય કરનારા ખેડાના સન્ની રાજુ પટેલને પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર છાણી પોલીસ મથક સ્ટાફે જીએસએફસી ટાઉનશીપ ફર્ટિલાઈઝર નગરમાં રહેતા જસ્મીન દિનેશ ગજેરાના ઓમકારપુરા ચાર રસ્તા તરફ જવાના રોડ પર ચંપલ બનાવવાના કારખાનામાંથી ૩૦૩.૦૮ ગ્રામ ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ચંપલના કારખાનાના માલિક જસ્મીન દિનેશ ગજેરા અને ચરસ લેવા આવેલા ગ્રાહક સુરેન્દ્રસિંગ બલદેવસિંગ સૈનીને ઝડપી લીધા હતા.

પોલીસની પૂછપરછમાં જસ્મીન ગજેરાએ છાણી કેનાલ પાસે આવેલા સેફ્રોન બ્લીસમાં રહેતા પાર્થ પ્રદીપ કાલેની મદદથી યાકુતપુરા રહેતા શાહનવાઝ ઉર્ફે શાનુ શેખ પાસેથી ચરસ લાવ્યો હોવાનું જણાવતા છાણી પોલીસે પાર્થ પ્રદીપ કાલે અને શાહનવાઝ ઉર્ફે શાનુ હાજી સલીમ શેખને ઝડપી લીધા હતા.

દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. ચરસનો જથ્થો ખેડાના સન્ની રાજુ પટેલ (માળીવાડાનો ખાંચો,ખેડા) આપ્યો હોવાનું ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળતા પોલીસે વોચ ગોઠવી ખેડામાંથી જ સન્ની પટેલને ઝડપી લીધો હતો. તેની જડતીમાંથી રોકડા ૧૩૫૦ તથા ફોન અને અગાઉ પકડાયેલા આરોપી સુરેન્દ્રસિંગના પિતાના નામવાળું ડેબિટ કાર્ડ મળી આવ્યું હતું.

પોલીસે તેની રિમાન્ડની તજવીજ કરી તે ચરસનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને બીજા કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ આદરી હતી. આરોપીઓ સાથે કોણ કોણ આ કારોબાર કરે છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.