વડોદરાના ઐતિહાસિક લહેરીપુરા દરવાજાનો સ્લેબનો ભાગ તુટ્યો
વડોદરા, વડોદરામાં ગાયકવાડી સાશનમાં અનેક ઐતિહાસીક ઈમારતો અને ગેટનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. પરંતુ તેની જાળવણીમાં આજનું તંત્ર નિષ્ફળ ગયાનો વધુ એક નમુનો આજે સામે આવ્યો હતો. શહેરના જુના સિટી વિસ્તારમાં આવેલો લહેરીપુરા દરવાજાના કાંગરા ખર્યા હતા.
તાજેતરમાં જ સ્માર્ટ સિટી અંતર્ગત આર્કિયોલોજી વિભાગ દ્વારા રૂપિયા નેવુ લાખનો ખર્ચ કરીને લહેરીપુરા દરવાજાનું તંત્ર દ્વારા રિનોવેશન કાર્ય હાથ ધરાયું હતું.
વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડના સાશન દરમિયાન બનાવવામાં આવેલા પેલેસ, સહિતનું બાંધકામ આજે પણ યથાવત છે. પરંતુ સમય જતા તે જાળવણી માંગી લે તે હાલતમાં છે. ગાયકવાડી સાશનમાં બનાવવામાં આવેલી તમામ વસ્તુઓ સાથે રોચક તથ્યો જાેડાયેલા છે.
પરંતુ સ્માર્ટ સીટીનું તંત્ર વડોદરાના વૈભવી વારસાની જાળવણીમાં નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ અગાઉ પણ અનેક વખત સામે આવ્યા હતા અને આજરોજ પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના જૂના સીટી વિસ્તારમાં લહેરીપુરા દરવાજાે આવેલો છે.
આ દરવાજાની નીચેથી વાહન વ્યવહાર ચાલુ છે. વહેલી સવારે દરવાજાની પોપડીઓ ખરતી જાેવા મળી હતી જેને કારણે લહેરીપુરા ગેટની દિવાલમાં લગાડવામાં આવેલા સ્લેબ હિસ્સો છુટ્ટો પડયો હતો અને નીચે પડયો હતો. આમ થવાને કારણે દરવાજાની જાળવણીમાં તંત્ર કેટલું ઉણું ઉતર્યું છે તેનો અંદાજાે લગાડી શકાય છે. જાેકે, ઐતિહાસિક વારસાની જાળવણીમાં નિરસતા દાખવવાનો આ પહેલો કિસ્સો નથી.