વડોદરાના ગુમ પરિવારની કાર નર્મદા કેનાલમાંથી મળી: પાંચેયના મૃતદેહ મળ્યાં
નર્મદા, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે ૧લી માર્ચ, રવિવારનાં દિવસે વડોદરાનાં નવાપુરા વિસ્તારમાં રહેતો પરમાર પરિવારનાં પાંચ લોકો ગયા હતાં. આ પરિવાર પોતાની કાર લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા હતાં. જે બાદ આખા પરિવારની કોઇ ભાળ મળી રહી ન હતી અને તેમના ફોન પણ સ્વિચ ઓફ આવતા હતા. તો આજે ડભોઇના તીનતલાવ પાસે નર્મદા કેનાલમાં તેમની કાર મળી છે. આ કારમાં જ પાંચેવ લોકોનાં મૃતદેહ મળી આવ્યાં છે. ત્યારે હાલ કેવડિયા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પહેલી માર્ચથી આજે પાંચમી માર્ચે સુધી આ પરિવારની કાર કેમ મળી નથી આવી તે અંગે કેવડિયા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. વડોદરાનાં નવાપુરા વિસ્તારનાં એસ.આર.પી. ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક ૯ વર્ષનો છોકરો અને ૭ વર્ષની છોકરી સાથે કેવડિયાનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતાં. હાલ લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, કલ્પેશ પરમાર શેરબજાર સાથે સંકળાયેલા હતાં. તેમને ધંધામાં ખોટ થઇ હોવાને કારણે પણ આખા પરિવાર સાથે અંતિમ પગલુ ભર્યું હોય શકે છે.
‘પરિવારની છેલ્લી વાત ભાઇ સાથે થઇ હતી’સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોઇને નીકળીને પરિવારની છેલ્લી વાત કલ્પેશભાઇનાં ભાઇ સાથે થઇ હતી. તેમણે ફોનમાં જણાવ્યું હતું કે, ‘તે હવે અહીંથી નીકળે છે.’ જે બાદ આ પરિવાર અચાનક ગાયબ થઇ ગયો હતો. જેથી અન્ય પરિવારજનોએ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે નર્મદા પોલીસે પાંચ દિવસ તપાસ કર્યા બાદ આજે ભાળ મળી છે. કેવડિયા પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતાં. જેમાં સવારથી સાંજ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એન્ટર થતા અને મોડી સાંજે ૭ઃ૩૦ કલાકે ત્યાંથી પરત જતા દેખાય છે. જે બાદ તેઓ ક્યાં ગયા એ મામલે હાલ એમના મોબાઈલ લોકેશન પરથી કેવડિયા પોલીસ તપાસ કરી રહી હતી અને આજે તેમને સફળતા મળી છે.
નોંધનીય છે કે, વડોદરાનાં નવાપુરા વિસ્તારનાં એસ.આર.પી. ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક ૯ વર્ષનો છોકરો અને ૭ વર્ષની છોકરી સાથે કેવડિયાનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતાં. તેઓ પોતાની કારમાં અહીં આવ્યાં હતાં. કલ્પેશ પરમારે પહેલી તારીખે સાંજે પોતાના ફેસબૂક ઉપર સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં ફોટા અપલોડ કર્યા હતાં.