વડોદરાના ચિત્રકારનું ચિત્ર ૧૮.૮૧ કરોડ રૂપિયામાં વેચાયું
વડોદરા, વડોદરા હંમેશાથી ગુજરાતનું કળાનું કેંદ્ર રહ્યું છે. કોરોનાના લીધે મંદ થયા બાદ બેઠા થઈ રહેલા કળા જગતમાં વડોદરા પોતાની હાજરી પુરાવી રહ્યું છે. શહેરના એક ચિત્રકાર સ્વર્ગીય ભૂપેન ખખ્ખરનું ચિત્ર વૈશ્વિક સ્તરે યોજાયેલી હરાજીમાં ૧૮.૮૧ કરોડ રૂપિયામાં વેચાયું છે. ‘ધ બનયન ટ્રી’ (વડ વૃક્ષ) નામનું ઓઈલ કેનવાસ પેઈન્ટિંગ ભૂપેન ખખ્ખરે ૧૯૯૪માં બનાવ્યું હતું.
ક્રિસ્ટિના ઓક્શન હાઉસમાં ૨૩ માર્ચ ૨૦૨૨ના રોજ તેની હરાજી કરવામાં આવી છે. ચિત્રમાં જાેઈ શકો છો કે કેટલાક લોકો વડના વૃક્ષો નીચે બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. તેની પાછળ પર્વતો જાેવા મળે છે. “ભૂપેન ખખ્ખરના ચિત્રો હંમેશાથી દેશ-વિદેશમાં વખણાયા છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ચિત્રો વિક્રમજનક કિંમતે વેચાઈ રહ્યા છે.
ખખ્ખરના ચિત્રો માટે ૧૮.૮૧ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી રકમ છે”, તેમ સર્જન આર્ટ ગેલેરીના હિતેશ રાણાએ કહ્યું. આ મહિનાની શરૂઆતમાં મહાન ચિત્રકાર રાજા રવિ વર્માએ બનાવેલું ચિત્ર ‘દ્રોપદી વસ્ત્રાહરણ’ એક ઓનલાઈન ઓક્શનમાં ૨૧ કરોડ રૂપિયામાં વેચાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, ૧૯મી સદીમાં રાજા રવિ વર્મા બરોડા સ્ટેટમાં રહ્યા હતા. હિતેશ રાણાએ જણાવ્યું, “છેલ્લા થોડા વર્ષોથી વડોદરાના કલાકારોને તેમની કળાની સારી કિંમત મળી રહી છે જે સારી નિશાની છે.”
ભૂપેન ખખ્ખરે ચિત્રકળાની કોઈ તાલીમ નહોતી લીધી, તેઓ જાતે જ શીખ્યા હતા. ૧૯૬૨માં ખખ્ખર તેમની ત્રીસીમાં હતા એ વખતે મુંબઈથી વડોદરા સ્થાયી થયા હતા. એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં તેઓ મહત્વનું સ્થાન ધરાવતા હતા. ભૂપેન ખખ્ખરના ચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવાનું શરૂ થતાં તેમણે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો.
૧૯૭૬માં ભારત સરકાર આયોજિત કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તેઓ પોતાના પહેલા વિદેશ પ્રવાસે ગયા હતા. ભૂપેન ખખ્ખરના ચિત્રોમાં સામાન્ય માણસોના સંઘર્ષને દર્શાવવામાં આવે છે. તેઓના ચિત્રો સામાન્ય લોકોની દુનિયાની આસપાસ ફરે છે.
તેમના ચિત્રોની સરખામણી કેટલીયવાર અંગ્રેજી ચિત્રકાર ડેવિડ હોકની સાથે થઈ છે. ૧૯૮૪માં ભૂપેન ખખ્ખરને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ૨૦૦૦ની સાલમાં રોયલ પેલેસ ઓફ એમ્સ્ટર્ડમ દ્વારા પ્રિન્સ ક્લાઉસ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમના ચિત્રો બ્રિટિશ મ્યૂઝિયમમાં પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે. ૨૦૦૩માં ૬૯ વર્ષની વયે વડોદરામાં જ ભૂપેન ખખ્ખરનું અવસાન થયું હતું.SSS