વડોદરાના ટીબીના ૨૪૦૦ દર્દીઓને દત્તક લઇ સારસંભાળ લેવાનું અભિયાન
સાંસદ રંજનબેન ભટ્ટ પ્રેરિત અભિયાનનો યુપીના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે પ્રારંભ કરાવ્યો
(માહિતી) વડોદરા, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના વ્યાપક સહયોગથી વડોદરા શહેરની ટીબી રોગથી મુક્ત કરવાનું અભિયાન સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના નેતૃત્વમાં શરૂ થયું છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ થયો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાંથી આગામી ૨૦૨૫ સુધીમાં ટીબી રોગ નાબૂદ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. વડાપ્રધાનશ્રી મોદીના આ સંકલ્પને ઝીલી લઇ વડોદરામાં સામાજિક સંસ્થાઓ અને અગ્રણી નાગરિકોને જાેડી આ અભિયાન ચલાવવાનો શ્રીમતી રંજનબેન ભટ્ટે ગત્ત દિવાળીએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. એ બાદ શહેરમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો અને કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું.
ટીબી નિર્મૂલન અભિયાનમાં જાેડાવા માટે ૧૨૦૦ જેટલા વ્યક્તિઓ અને સંસ્થાઓ સહમત થઇ હતી. અભિયાન પાછળનો શુભાશય એ છે કે ટીબીના દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા મોંઘાભાવની દવાઓ વિનામૂલ્યે આપવા ઉપરાંત રૂ.૫૦૦ની માસિક સહાય કરવામાં આવે છે. આ દર્દીઓને જરૂર માત્ર હૂંફ અને લાગણીની હોય છે. સહયોગ પૂરો પાડવા માટે ઉક્ત સેવાભાવી લોકો તૈયાર થયા છે.
વડોદરામાં ૨૪૦૦થી પણ વધુ ટીબી દર્દીઓને દત્તક આપવામાં આવ્યા છે. જેમાં દર્દીઓ સાથે નિયમતિ સંપર્ક રાખવામાં આવશે. તેમનું મેડિકેશન નિયમિત રીતે ચાલે છે કે કેમ ? તેને જરૂરી પોષક આહાર લે છે કે કેમ ? તેને કોઇ જરૂરિયાત છે કેમ ? એવી બાબતોની દરકાર લેવામાં આવશે. ટીબીના દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ છાણી ખાતે યોજાયો હતો. તેમાં શ્રીમતી આનંદીબેન પટેલે કહ્યું કે, માર્ગો, શિક્ષણ, વીજળી અને પાણી સહિતના વિકાસ કામો કરવા સાથે લોકોના આરોગ્ય પ્રત્યે, જનઆરોગ્ય માટે કામ કરવું એ પણ લોકપ્રતિનિધિઓની અગ્રતાક્રમની ફરજ છે.
ઘરમાં કોઇ એક બિમારી આવી જાય ત્યારે ભારે મુશ્કેલી સર્જાતી હોય છે. દીકરી-દીકરાને બિમારી હોય તો તે ભણી શકતા નથી. તે પગભર થઇ શકતા નથી. તેમના લગ્ન કરાવી શકાતા નથી. દવાખાનાની ચિંતા સાથે પરિવાર ઉપર આર્થિક ભારણ વધે છે.
એમાંય ટીબી જેવા રોગ હોય તેવા સમયે પરિવાર સાથે સામાજિક અલગાવ કરી દેવામાં આવે છે. આવા સમયે રંજનબેને આ અભિયાન શરૂ કરી સમાજને એક સાચો સંદેશ આપ્યો છે. તેમણે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકેના કાર્યકાળ દરમિયાન ટીબી નાબૂદી માટે ચલાવાયેલા અભિયાની વિગતો પણ પ્રસ્તુત કરી હતી.
સાંસદ શ્રી સી. આર. પાટીલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો કોલ ઝીલીને ટીબીના દર્દીઓને દત્તક લેવાના, લેવડાવાનું અભિયાન ચલાવી રંજનબેને જનસેવા કરવામાં અલગ કેડી કંડારી છે. લોકોને મદદરૂપ થવું એ આપણી સૌની પ્રાથમિક ફરજ છે.
કોરોનાકાળનું ઉદાહરણ આપતા શ્રી પાટીલે કહ્યું કે, રાજ્યમાં સાંસદો, ધારાસભ્યોએ કોરોનાના દર્દીઓની સારવાર માટે આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા હતા. જેમાં સારવાર લેનારા દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી નહોતી. કાર્યકરોએ લાગણી સાથે દર્દીઓની સેવા કરી હતી. તેમણે સાંસદશ્રીને બિરદાવ્યા હતા.
સાંસદ શ્રીમતી ભટ્ટે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં વડોદરા પાછું નહીં પડે. અહી લોકો દર્દીઓની સેવા કરવા માટે હંમેશા તૈયાર હોય છે. તેમણે અભિયાની ભૂમિકા સમજાવી હતી. મહાનુભાવોના હસ્તે દર્દીઓને પોષક આહારની કિટ્સ અર્પણ કરવામાં આવી હતી.