વડોદરાના ડૉક્ટર દર્શન બેન્કરના હોસ્પિટલ-ઘરે આઈટીના દરોડા
અમદાવાદ,વડોદરાના જાણીતા ડોક્ટર દર્શન બેન્કરની જુના પાદરા રોડ સ્થિત હોસ્પિટલ અને તેઓના નિવાસ સ્થાને આજે વહેલી સવારથી ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ દરોડો પાડી કાર્યવાહી શરૂ કરી છે તેઓની સુરત ખાતેની હોસ્પિટલમાં પણ આવકવેરા વિભાગે તપાસ કરી હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા ભાવ કરતાં પણ મનસ્વી રીતે કોરોના ના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરનાર ડોક્ટર દર્શન બેન્કર્સ વિવાદમાં આવ્યા હતા ત્યાંરે તેઓએ કરોડો રૂપિયાની બેંક લોન લઈને શરૂ કરેલી અન્ય હોસ્પિટલોની લોન પણ કોરોના કાળમાં મનસ્વી રીતે કરેલી કમાણીમાંથી ભરપાઈ કરી દીધી હોવાની પણ વિગતો બહાર આવી હતી.
ડોક્ટર દર્શન બેન્કર્સની વડોદરામાં ચારથી પાંચ હોસ્પિટલો આવેલી છે તદુપરાંત સુરતમાં પણ તેઓએ હોસ્પિટલ શરૂ કરી હતી. આ હોસ્પિટલો પૈકી જુના પાદરા રોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલ તેમજ તેમના નિવાસસ્થાન અને તેમની સાથે સંકળાયેલા અન્ય ડોક્ટર્સને ત્યાં પણ આજે વહેલી સવારથી ૫૦ જેટલા આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું હતું.
આ સર્ચ ઓપરેશનમાં આવકવેરાના અધિકારીઓએ બેનામી આવકના પુરાવા કોમ્પ્યુટર તેમજ ફાઈલો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે જેમાંથી કરોડો રૂપિયાની બેનામી રકમ મળશે તેમ આવકવેરા વિભાગનું માનવું છે આ લખાય છે ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી આવકવેરા વિભાગની કાર્યવાહી આજે બપોર સુધી પણ ચાલુ રહી હતી જે મોડી રાત સુધી ચાલશે તેમ માનવામાં આવે છે.SS2KP