વડોદરાના રાવપુરા વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર સહિતનો ૨.૩૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
વડોદરા, થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂની બદીને ડામવા માટે પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા છે. જે અંતર્ગત POCB (પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા)ને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના રાવપુરા શંકર ટેકરી પાસેથી ઇન્ડિકા કારમાં ઇંગ્લિશ દારૂ ભરેલી પ્લાસ્ટિકની બોટલો સાથે બુટલેગર પસાર થવાનો છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
બાતમીવાળી કારને પોલીસે અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૭૫૦ મિલીગ્રામની ૧૭૪ બોટલ (કિંમત અંદાજે ૬૯ હજાર) તેમજ કાર, મોબાઇલ, રોકડ મળી કુલ ૨ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બુટલેગરનું નામ સુનીલ સુરેશભાઇ આભાડે (રહે. જંબુબેટ, રેવા હોસ્પટિલની સામે, દાંડિયાબજાર, રાવપુરા, વડોદરા) છે. જેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પરેશ ઉર્ફે ચકો શનાભાઇ ચૌહાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા શહેરમાં તાંદલજા વિસ્તાર અને હુજરતપાગામાંથી ક્રાઇમ બ્રાન્ચે અંદાજે ૩.૮૬ લાખનો દારુ ઝડપી પાડયો હતો.
તાંદલજામાં એકતાનગર પાસે કાળી તલાવડીની નજીક ગોડાઉનમાં દારુનો જથ્થો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતાં પોલીસે દરોડો પાજી ૩૭૪૪ નંગ દારુની બોટલો (કિંમત ૩૭૪૪૦૦ રુપીયા) કબજે કર્યો હતો અને તપાસમાં આ ગોડાઉન રામાકિશન સોહનલાલ (રહે, બાડમેર, રાજસ્થાન) એ ભાડે રાખ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જેથી પોલીસે રામાકિશ્ન સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.
બીજી તરફ હુજરતપાગા ફતેપુરામાં રહેતી રાધા અમરિશ કહાર તેના ઘરમાં દારુનો જથ્થો રાખીને વેચી રહી છે તેવી બાતમી પોલીસને મળતાંપોલીસે દરોડો પાડી દારુની ૯૬બોટલ (કિંમત ૯૬૦૦ રુપીયા) કબજે કરી હતી. આ સાથે શહેરના એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસેથી અમદાવાદ લઇ જવાતો વધુ ૨.૭૮ લાખનો દારૂ જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, બાતમીના આધારે એલસીબીએ ટોલનાકા પાસે વોચ ગોઠવી ટેમ્પાને ઝડપીને તલાશી લેતાં તેમાંથી દારૂનાં ૨૭૮૪ ક્વાર્ટરિયાં મળી આવ્યાં હતાં. પોલીસે રૂા.૨,૭૮,૪૦૦ના દારૂ સાથે ટેમ્પો ચાલક ક્રિષ્ણારામ રુખમણારામ જાટની અટકાયત કરી હતી.
તપાસમાં દારૂનો આ જથ્થો રાજસ્થાનના તેજારામ લાઘઉરામ જાટ, રમેશ ઉર્ફે આરકે, ધવન બિશ્નોઇ, શ્રવણ ઉર્ફે રાજુ અને ઓમપ્રકાશ હુકમારામ બિશ્નોઇએ મગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે દારૂ, ટેમ્પો તથા મોબાઇલ મળીને રૂા.૫,૮૩,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.HS