વડોદરાના હરજાણી મર્ડર કેસમાં તમામ ૧૧ આરોપી નિર્દોષ
વડોદરા સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો
વડોદરા, વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યાના ચકચારભર્યા કેસમાં વડોદરા સેશન્સ કોર્ટે આજે તમામ ૧૧ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો સંભળાવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. વડોદરા કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. મુકેશ હરજાણીની હત્યામાં વપરાયેલુ હથિયાર પણ પોલીસને હાથ લાગ્યુ ન હતું.
વડોદરા સેશન્સ કોર્ટ દ્વારા આજે આ કેસમાં કલ્પેશ ઉર્ફે કાછીયો અંબાલાલ પટેલ, સંજય ઉર્ફે આરડીએક્સ, અનિલ ઉર્ફે એન્થોની, વિજુ સિંધી સહિત તમામ ૧૧ આરોપીઓને છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશીપ પાસે ગત તા.૨૦ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની શાર્પ શૂટરોએ ૯ રાઉન્ડ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. જેલમાંથી છુટેલો કુખ્યાત મુકેશ હરજાણી રાત્રે ૧૧-૦૦ વાગ્યાના અરસામાં હરણી રોડ પર વૃંદાવન ટાઉનશીપમાં રહેતા તેના મિત્ર પપ્પુ શર્માને મળવા આવ્યો હતો. તે મળીને પરત કારમાં બેસવા જતો હતો ત્યારે જ ધસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેને આંતર્યો હતો.
મુકેશ અને તેનો મિત્ર પપ્પુ શર્મા કંઇ સમજે તે પહેલા જ અજાણ્યા શખ્સોએ પોતાની પાસેના હથિયારમાંથી ઉપરાછાપરી ૯ રાઉન્ડ ગોળીબાર કરતા અંધાધૂધી મચી ગઇ હતી. ગોળીબારમાં ૮ જેટલી ગોળીઓ મુકેશના શરીરમાં ઘૂસી ગઇ હતી. એક મિસ ફાયર થયું હતું. જેને પગલે મુકેશ હરજાણી લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. એક ગોળી મુકેશ હરજાણીની ડાબી આંખ બહાર નીકળી ગઇ હતી. તો બે ગોળી તેના હ્રદયની નીચેના ભાગે વાગી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત પીઠના ભાગે પણ બે ગોળી વાગી હતી. મુકેશને તાબડતોબ કારમાં મેટ્રો હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જા કે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ કેસમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ખૂબ જ ચકચારભર્યો આ કેસ વડોદરા એડિશનલ સેશન્સ જજ એચ.આઇ.ભટ્ટની કોર્ટમાં ચાલી ગયો હતો. જેની સુનાવણીના અંતે આખરે કોર્ટે તમામ ૧૧ આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂકયા હતા.