વડોદરાની ઓએસિસ સંસ્થામાં ખોટા કામ ચાલતા હોવાનો ઘટસ્ફોટ
ઓએસીસ સંસ્થા ફ્રેન્ડશિપ ક્લબ તેમજ મૈત્રી ભૂમિ તરીકે કાર્યરત હતી, યુવતીઓ-યુવકો આ સંસ્થામાં રહેતા હતા
વડોદરા, વડોદરાના બહુચર્ચિત દુષ્કર્મ બાદ આપઘાત મામલામાં યુવતી જ્યાં કામ કરતી હતી તે ઓએસિસ સંસ્થા શંકાના દાયરામાં આવી છે. વડોદરાના છેવાડે એક કિલોમીટર અંદર જંગલમાં આવેલી વિવાદિત ઓએસીસ સંસ્થાનો ભૂતકાળ કલંકિત હોવાનું ખૂલ્યું છે.
એક તરફ ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડિયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આ સંસ્થાના અનેક પાપ ખૂલી શકે છે. આ ઉપરાંત ઓએસિસ સંસ્થામાં ખોટા કામો ચાલતા હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી.
૨૦ વર્ષ પહેલા ઓએસીસ સંસ્થા જંગલ વિસ્તારમાં જ્યાં કાર્યરત હતી, ત્યાંની માહિતી સામે આવી છે. હાલ સંસ્થાની આ ઇમારત ખંડેર હાલતમાં છે. પરંતુ સંસ્થાનો અહીંનો વર્ષો જુનો ઇતિહાસ કલંકિત છે. વિવાદિત ઓએસીસ સંસ્થાનો વિવાદિત ભૂતકાળ સામે આવ્યો છે. ૧૯૯૮ માં અહીંના સરપંચ રહી ચૂકેલા નેતાએ ચોંકાવનારા ખુલાસા કર્યો છે.
સિંધરોટ ગામના પૂર્વ સરપંચ ઈશ્વરસિંહ સીસોદિયાએ આ માહિતી પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વર્ષો પહેલા ઓએસીસ સંસ્થા ફ્રેન્ડશિપ ક્લબ તેમજ મૈત્રી ભૂમિ તરીકે કાર્યરત હતી. પુખ્તવયની યુવતીઓ અને યુવકો આ સંસ્થામાં રહેતા હતા. પરંતુ આ સંસ્થાના લોકો ગ્રામજનોને સંસ્થાની આસપાસ પણ નહોતા જવા દેતા. શૈક્ષણિક આરોગ્ય અને સંશોધનના હેતુથી સંસ્થાએ સરકાર પાસેથી જમીન લીધી હતી. પંરતુ સંસ્થામાં ખોટા કામો ચાલતા હતા.
સરપંચે કહ્યું કે, આ સંસ્થાની યુવતીઓ ર્નિવસ્ત્ર થઈ ફરતી હતી. ગ્રામજનો આ મામલે રજુઆત કરે તો તેઓ દાદાગીરી કરતા હતા. ગ્રામજનોની કલેક્ટર અને મામલતદારને રજુઆત બાદ સંસ્થા પાસેથી સરકારે જમીન પરત લઈ લીધી હતી. હવે ઓએસીસ સંસ્થા સામે પોલીસે તપાસ કરવી જાેઈએ. વડોદરાની પીડિતાને ન્યાય મળવો જાેઈએ. આ પ્રકારના કૃત્ય કરનારને ફાંસીની સજા થવી જાેઈએ.
વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત ઘટનામાં સંસ્થાની મેન્ટરએ જ પીડિતાને પહોંચેલી ઈજાઓ અને તેણીએ લખેલી ડાયરીના ફોટા પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને મોકલ્યા હતા. આ સિવાય યુવતીના વોટસએપ મેસેજીસ પણ ડિલીટ કરી નાખ્યાં હોવાનુ તપાસમાં ખુલ્યું છે.
સંસ્થાનું હિત ઈચ્છતી વ્યકિતઓ પીડિતાની સાયકલ અંગે કંઈ સ્પષ્ટ જણાવતા નહિ હોવાનો રેલવે પોલીસની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સિવાય સંભવિત પુરાવાઓનો પણ નાશ કર્યા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાતા ખળભળાટ મચ્યો છે.
તો બીજી તરફ, એવામાં પીડિતાની માતાએ સંસ્થા સામે આક્ષેપ કરતા કહ્યું કે, જાે સંસ્થા મારી દીકરીની મદદ માટે આગળ આવી હોત અને પોલીસ કાર્યવાહી કરી હોત તો આજે મારી દીકરી જીવતી હોત. મારી છોકરી સંસ્થા વિશે વાત કરતી તો અમને થતું તે ત્યાં સુરક્ષિત છે. મારી દીકરી નાની મોટી તકલીફમાં તમામ વાત સંસ્થાને જણાવતી હતી. આવડી મોટી ઘટના બની ગઈ તો પછી સંસ્થા દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામા ના આવી. મેં સંસ્થા પર વિશ્વાસ કર્યો હતો. પણ તે તૂટી ગયો.