વડોદરાની કંપનીએ ભારતની પ્રથમ રિયુઝેબલ PPE કીટ્સ બનાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/04/Photo_LabTechs-1024x682.jpg)
વડોદરા, ભારત સરકાર કોવિડ-19ના ઝડપી ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે દેશવ્યાપી લોકડાઉન, કેટલાંક વિસ્તારોમાં કરફ્યુ, રેપિડ ટેસ્ટિંગ વગેરે મોરચે અસરકારક પગલા ભરી રહી છે
ત્યારે કોરોના વાઇરસ સામેની લડાઇની પ્રથમ પંક્તિમાં સામેલ ડોક્ટર્સ, નર્સ સહિતના સ્વાસ્થ્યકર્મીઓ તરફથી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)ની વિશાળ જરૂરિયાત પેદા થઇ છે. કોરોના વાઇરસના સંક્રમણથી આ કોરોના વોરિયર્સને સુરક્ષિત રાખવા અત્યંત આવશ્યક છે.
કોવિડ 19ના ફેલાવા પહેલાં ભારતને પીપીઇ કીટ્સ માટે વિદેશી કંપનીઓ ઉપર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ છેલ્લાં કેટલાંક મહિનામાં પરિસ્થિતિ બદલાઇ છે અને આજે ઘણી ભારતીય કંપનીઓ પીપીઇ કીટ્સનું ઉત્પાદન કરે છે.
તેમાં માસ્ક, સેફ્ટી હેલ્મેટ, આઇ પ્રોટેક્શન, ગ્લોવ્સ અને હાઇ-વિઝિબિલીટી ક્લોથિંગ ચીજો સામેલ છે. જોકે, કોરોના વાઇરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારાને ધ્યાનમાં લેતાં પીપીઇના સપ્લાયને પણ અસર થવાની સંભાવના પેદા થઇ છે. આ પડકારને પહોંચી વળવા માટે વડોદરા સ્થિત સ્યોર સેફ્ટીએ રિયુઝેબલ પીપીઇ કીટ્સ ડિઝાઇન કરી છે અને હવે તેનું મોટાપાયે ઉત્પાદન કરવા માટે સજ્જ છે. આ રિયુઝેબલ પીપીઇ હાલમાં ઉપલબ્ધ પીપીઇ કીટ્સથી પેદા થતાં બાયોમેડિકલ વેસ્ટના પડકારો દૂર કરશે તથા પીપીઇની તંગ સપ્લાયનો પણ ઉકેલ આપશે.
આ ઇનોવેશન અંગે વાત કરતાં સ્યોર સેફ્ટીના મેનેજિંગ ડાયરેક્ટર અને સ્થાપક નિશિથ દંડે જણાવ્યું હતું કે, “ઇનોવેશનની મદદથી અમે ભારતની પ્રથમ રિયુઝેબલ પીપીઇ કીટ્સ વિકસાવી છે.
યુરોપ અને યુએસમાં કંપનીઓએ તાજેતરમાં જ આ પ્રકારની કીટ્સનું ઉત્પાદન શરૂ કર્યું છે. પીપીઇ કીટ્સને કારણે પેદા થતાં બાયોમેડિકલ વેસ્ટને કારણે પણ મોટું જોખમ પેદા થાય છે અને અમે એર ફિલ ટેક્નોલોજીના ઉપયોગથી નવી કીટ્સ તૈયાર કરી છે. ટૂંક સમયમાં હોસ્પિટલ્સમાં આ પીપીઇ કીટ્સની ડિલિવરી શરૂ કરવાની અમને આશા છે.”
ઉલ્લેખનીય છે કે દર બે વર્ષે બર્ડ ફ્લુ, સાર્સ, ઇબોલો, ઝિકા અને હવે કોવિડ એમ નવી બિમારીઓ ફેલાતી રહે છે તેવી સ્થિતિમાં કંપનીએ વડોદરામાં ગ્લોબલ સેફ્ટી સેન્ટરની પણ સ્થાપના કરવા માટે ગુજરાત સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી રોગચાળાની સામે લડવામાં અને તેને ઝડપથી નિયંત્રણમાં લેવાની સજ્જતા કેળવી શકાશે.
કોવિડ 19 માટે પીપીઇ બનાવવા માટે ભારત સરકાર દ્વારા કેટલીક કંપનીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં સ્યોર સેફ્ટી પણ સામેલ છે. અત્યાર સુધીમાં કંપનીએ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારને 60,000 પીપીઇ કીટ્સ ડિલિવર કરી છે. ટૂંક સમયમાં સ્યોર સેફ્ટી માસિક ઉત્પાદન ક્ષમતા વધારીને 1.8 લાખ કીટ્સ કરવાની યોજના ધરાવે છે. કોવિડ 19 માટે પીપીઇના ઉત્પાદન માટે ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલી કંપનીઓના પ્રથમ ગ્રુપમાં સ્યોર સેફ્ટી સામેલ છે. વધુમાં કંપનીએ વર્ષ 2015માં ઇસરોને ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો સ્વદેશી સ્પેસ સ્યુટ ડિલિવર ક્યો હતો.