વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે ટેમ્પોમાંથી ૪૦૦ પેટી દારૂ-બિયર ઝડપાયું
વડોદરા,વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે હોટલના કમ્પાઉન્ડમાં ઊભેલી બંધ બોડીની ટેમ્પોમાં વિદેશી દારૂનો જંગી જથ્થો હોવાની માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે દરોડો પાડ્યો હતો. જેમાં રૂપિયા ૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારુ અને બિયરનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ સિટી પોલીસ મથક અને મકરપુરા પોલીસ મથકની હદમાં સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે દરોડો પાડી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે સ્ટેટ વિજિલન્સ સ્ક્વોર્ડને ગોલ્ડન ચોકડી પાસેની એક હોટલના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલો એક ટેમ્પો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી ૪૦૦ પેટી ઉપરાંત વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ગયું હતું. હરણી પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા હરણી પોલીસ ચર્ચામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ટેમ્પો ચાલક અશોકસિંઘની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચતો કરવામાં આવનાર હતો. તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા વિદેશી દારૂ અને આરોપીને હરણી પોલીસ મથકના હવાલે કરી ફરિયાદ નોંધાવી છે. હરણી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.HS3KP