વડોદરાની દુષ્કર્મ પીડિતાને સાત લાખની સહાય અપાઈ
અમદાવાદ: વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાને આઠ-આઠ દિવસ જેટલો લાંબો સમય વીતી જવા છતાં હજુ સુધી વડોદરા પોલીસ અને તેની ૩૨થી વધુ ટીમો આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહી છે ત્યારે બીજીબાજુ, આજે રાજય સરકાર તરફથી દુષ્કર્મ પીડિતાના પરિવારની રૂબરૂ મુલાકાત લઇ તેમને રૂ. સાત લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની વીકટીમ ગર્લ્સ કોમ્પન્સેશન કમીટી દ્વારા પીડિતના પરિવારને રૂ.૭ લાખની સહાયના ચેકનું વિતરણ કરાયુ હતું.
પીડિતાને ચૂકવાયેલી આ સહાયની રકમમાંથી પરિવાર રોકડા રૂ.૨.૫૦ લાખ ઉપાડી શકશે. બાકીના રૂ.૪.૫૦ લાખ બેન્કમાં ડિપોઝીટ થશે, જે પીડિતા ૧૮ વર્ષની ઉંમરની થાય ત્યારે મળી શકશે. કુલ સહાયમાંથી તાત્કાલિક જે રૂ.૨.૫૦ રૂપિયા ઉપાડી શકશે તે રકમ પીડિતાની દવા અને સારવાર ખર્ચ માટે અપાયા છે. જ્યારે રૂ.૪.૫૦ લાખ તેણી તેના પુર્નવસન માટે ઉપયોગમાં લઇ શકશે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતેના તાજેતરના ચકચારભર્યા દુષ્કર્મ કેસમાં એક સપ્તાહ વીતી ગયુ છતાં હજુ નરાધમ આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી ત્યારે ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે સામૂહિક દુષ્કર્મની સગીર પીડિતા અને તેના પરિવારની મુલાકાત લીધી હતી અને પીડિતા અને પરિવારને ન્યાય અપાવવાની હૈયાધારણ આપી હતી.
ગૃહરાજયમંત્રીએ દુષ્કર્મ જ્યાં થયું તે નવલખી મેદાનની પણ મુલાકાત હતી. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઇપણ ખૂણે કોઇ દીકરી પર કોઇ નરામધો દુષ્કર્મ કરે તો, તેને દુષ્કર્મ કરવાવાળા નરાધમોને પકડીને ફાસ્ટકોર્ટમાં ફાંસીની સજા મળવી જોઇએ તેમ પ્રબળ રાજકીય ઇચ્છા શક્તિથી રાજ્ય સરકાર માને છે. જે પરિવાર સાથે અને દીકરી સાથે ઘટના બની તે અત્યંત સંવેદનશીલ અને દુઃખદ છે. મને પણ આજે મળીને તેનો અહેસાસ થયો છે. આ પરિવારને ટૂંક સમયમાં વળતરની આર્થિક સહાય પણ કરવામાં આવશે.