વડોદરાની પાદરાની સ્કૂલના શિક્ષકે સાત વિદ્યાર્થીને મારતા સનસનાટી
વડોદરા: વડોદરા જિલ્લાના પાદરાની મધર સ્કૂલમાં એક શિક્ષકે સામાન્ય બાબતમાં સાત વિદ્યાર્થીઓને લાકડાની ફૂટપટ્ટીથી માર મારતા વિદ્યાર્થીઓના શરીર પર સોળ પડી ગયા હતા. જેથી વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલમાં દોડી ગયા હતા અને સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી હતી.
વાલીઓએ પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્કૂલમાં દોડી ગઇ હતી અને શિક્ષકની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી. શિક્ષકે પણ આવેશમાં આવીને વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની કબૂલાત કરી હતી. આ સમગ્ર ઘટના સ્કૂલના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પાદરામાં આવેલી મધર સ્કૂલમાં સોમવારે શિક્ષકે સામાન્ય બાબતમાં ધો-૮માં અભ્યાસ કરતા ૭ વિદ્યાર્થીઓને લાકડાની ફૂટપટ્ટીથી માર માર્યો હતો. આ વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમના વાલીઓએ વિદ્યાર્થીઓના શરીર પર લાગેલા ઇજાના નિશાન જોયા હતા. જેથી વિદ્યાર્થીઓના વાલીઓ આજે સ્કૂલમાં દોડી ગયા હતા. અને શિક્ષક સામે સંચાલકો સમક્ષ રજૂઆતો કરી હતી.
બીજી બાજુ વાલીઓએ પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્કૂલમાં દોડી ગઇ હતી. અને ૭ વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષકની પૂછપરછ કરી હતી. જેમાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર્યા હોવાની કબૂલાત કરી હતી. વાલીઓએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી.
મધર સ્કૂલમાં કોઇ એક વિધાર્થીએ બૂમ પાડી હતી. જેના વાંકે શિક્ષકે નિર્દોષ વિધાર્થીઓને માર માર્યો હતો. જેન પગલે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. અને શિક્ષક સામે પગલા ભરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, શિક્ષક પ્રદિપભાઇએ શરીરના હાથ અને પીઠ સહિતના ભાગોમાં બાળકોને માર માર્યો છે. અમે પોલીસ ફરિયાદ કરીને શિક્ષકને સસ્પેન્ડ કરાવીશું. મધર સ્કૂલના સંચાલક ઘનશ્યામભાઇ દરજીએ જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં આવી પ્રથમ ઘટના બની છે. અમે શિક્ષક સામે જરૂરી પગલા ભરીશું.