વડોદરાની યુવતીની લોહીથી લથબથ લાશ મળી આવી
વડોદરા, રાજ્યમાં વધુ એક યુવતીની ઘાતકી હત્યા થઇ છે. તરસાલી બાયપાસ પાસે ધનિયાવી રોડ પર ૧૯ વર્ષની તૃષાબેન સોલંકીનો જમણો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આખા પંથકમાં અરેરાટી ફેલાઇ હતી.
મૃતક યુવતીના મોઢા અને ગાલ પર પણ તિક્ષ્ણ હથિયારથી ઇજા પહોંચાડી હોવાના નિશાન મળ્યા છે. બનાવની જાણ થતા રાતે જ મકરપુરા પોલીસ સહિતનો અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુવતી મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી હતી.
તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહીને કોમ્પિટિટીવ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. યુવતીની લાશ જ્યાંથી મળી હતી ત્યાંથી થોડે દૂર જ પોલીસને એક ટુ વ્હિલર મળ્યું હતું. આ સ્કૂટર યુવતીનું જ હોવાની શક્યતાના આધારે પોલીસે સ્કૂટરના નંબરના આધારે સ્કૂટર માલિકનું નામ અને સરનામું મળ્યા હતા.
જેના આધારે પોલીસે સરનામા પર તપાસ કરતા યુવતીના મામા હોવાનું જાણવા મળ્યું હતું. મકરપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા યુવતી પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું.જેના આધારે પોલીસને યુવતીના નામની જાણ થઇ હતી. યુવતી મૂળ દાહોદની છે.
અહીંયા તેના મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. મળતી માહિતી પ્રમાણે, તે સવારે ક્લાસમાં જતી હતી અને મોડી સાંજે ક્લાસમાંથી પરત આવતી હતી.પોલીસે ક્લાસમાં યુવતી સાથે અભ્યાસ કરતા યુવક યુવતીઓને શોધી તેઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પોલીસને યુવતીનું સ્કૂટર અને આધારકાર્ડ મળી આવ્યા છે. જ્યારે યુવતીનો મોબાઇલ ફોન હજી મળી આવ્યો નથી. યુવતીનો મોબાઇલ ફોન હત્યારો પોતાની સાથે લઇ ગયો હોવાની શક્યતા સેવાઇ રહી છે. પોલીસે યુવતીના મોબાઇલ નંબરના આધારે તેની કોલ ડિટેલ્સ મંગાવી છે. જે પરથી પણ અનેક ભેદ ખુલી શકે છે.
યુવતીનું ટુ વ્હીલર હાઇવે પર પાર્ક કરાયેલું હતું. જયારે તેનો મૃતદેહ ત્યાંથી દૂર ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. તૃષાના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હોય તેવા નિશાનો મળ્યાં છે. મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. એક સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, રાતના ૮ વાગ્યાના આસપાસ તેમને કોઇની ચીસ સંભળાઈ હતી.
હાઈવે પાસે લાઈટ ન હતી, તેથી તેઓ દૂર સુધી ગયા હતા. બાદમાં એક યુવતી ઝાટકા મારતી નીચે પડેલી હતી. તેનો એક હાથ પણ કપાયેલો હતો. જે બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. યુવતીના મામા સજ્જનસિંહના જણાવ્યા પ્રમાણે, તૃષા અમારા પરિવારમાં એકની એક દીકરી હતી. કોચિંગ માટે તે અલકાપુરી જતી હતી. સાંજે જે સમયે ઘરે પરત ફરતી હતી તે સમયે પરત આવી ના હતી. બાદમાં તેની હત્યાની જાણ થઇ હતી.SSS