વડોદરાની સગીર પીડિતાએ નરાધમોને ઓળખી બતાવ્યા
અમદાવાદ: વડોદરા શહેરના નવલખી મેદાનમાં ૧૪ વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મના બે આરોપીઓને આજે ઓળખ પરેડ માટે પોલીસે એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યાં હતા. જ્યાં પીડિતાએ બંને આરોપીઓને મેજિસ્ટ્રેટ રૂબરૂ બંને નરાધમ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.
સ્પેશ્યલ કોર્ટે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજુરી કર્યા હતા. પોલીસે હવે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. નવલખી મેદાનમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તરસાલીમાં રહેતા કિશન કાળુભાઇ માથાસુરીયા અને જશો વનરાજ સોલંકીની ધરપકડ કરીને વડોદરા પોલીસને સોંપ્યા હતા. ત્યારબાદ ગઇકાલે જ મોડી રાત્રે વડોદરાની સયાજી હોસ્પિટલમાં બંને નરાધમ આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરમ્યાન આજે બપોરે વડોદરા શહેરના નર્મદા ભવન સ્થિત એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ બંને આરોપીઓને ઓળખ પરેડ માટે પોલીસે હાજર કર્યાં હતા.
આ સમયે દુષ્કર્મની પીડિતા પણ એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કચેરીમાં હાજર હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસે બંને આરોપીઓને હાજર કરતા જ પીડિતા બંને નરાધમોને ઓળખી ગઇ હતી. તેણીએ બહાદુરીપૂર્વક મેજિસ્ટ્રેટ રૂબરૂ બંને નરાધમોને ઓળખી બતાવ્યા હતા. તેણીની સાથે હેવાનિયભર્યું દુષ્કર્મ આ બંને આરોપીઓએ આચર્યું હોવાની વાત પીડિતાએ એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટને જણાવી હતી. પોલીસે હવે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વડોદરા કોર્ટમાં રજૂ કરીને બંને આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડ માંગશે. વડોદરા પોલીસ કમિશનરે આ કેસમાં પોલીસ શકય એટલું ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરી દેશે અને પીડિતાને ઝડપી ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે એવી હૈયાધારણ આપી હતી.