વડોદરાની સર સયાજી હોસ્પિટલના તબીબોએ ગોધરાના કિશોરને નવજીવન આપ્યું
વડોદરા, શરીરમાં આંચકી આવવાના કારણે ચેતના ગુમાવી દેનારા ગોધરાના ૧૦ વર્ષીય આસિમને સાડા ચાર માસ સુધી વેન્ટીલેટર પર રાખીને સર સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગે નવજીવન બક્ષ્યું છે.
૧૧ વર્ષના આસીમને આંચકી આવવાની સામાન્ય જણાતી ઘટનામાંથી એન્કેફેલોમાયલાઈટિસ નામની ચેતાતંત્ર, મજ્જાતંત્રની અસામાન્ય બીમારી હોવાની જાણ થઈ હતી. ગોધરાના વેજલપુર રોડ ખાતે રહેતા અને લાકડાના વેપાર સાથે સંકળાયેલા મધ્યમ વર્ગીય વસીમભાઇ સુલેમાનભાઇ અબ્દુલસતાર પટેલનો ૧૧ વર્ષનો પુત્ર આસીમ ધોરણ ૬મા અભ્યાસ કરે છે.
પરંતું મગજના તાવ તરીકે જાણીતી એન્કેફેલોમાયલાઈટિસ નામની બીમારીથી આસીમના શરીરના સ્નાયુ અને ચેતાતંત્ર કામ કરતું બંધ થઈ ગયું હતું. આસીમને તુરંત વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો. જ્યાં ૧૦ દિવસની સારવારનો ખર્ચ ૧૨ લાખ રૂપિયા થયો હતો. આર્થિક સંકળામણ આવતા આસીમને સર સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો.
સર સયાજી હોસ્પિટલમાં આસીમને દાખલ કર્યો ત્યારે શ્વસનતંત્રના સ્નાયુઓ બહુ જ નબળા પડી ગયા હતા અને તેના કારણે આસીમ વ્યવસ્થિત રીતે શ્વાસ પણ લઇ શકતો નહોતો. વેન્ટીલેટર પર રાખ્યા સિવાય બીજાે કોઇ વિકલ્પ જ નહોતો આથી લાંબા સમય સુધી વેન્ટીલેટર ઉપર રાખવાના કારણથી ન્યુમોનિયા, ફંગલ ઇન્ફેક્શન, યુરિનલ ઇન્ફેક્શન જેવા કોમ્પ્લીકેશન પણ ઉભા થયા. સાથે, તેની પણ સારવાર કરવામાં આવી.
લાંબી સારવાર બાદ અંતે તબીબોની મહેનત ફળી. નિવાસી તબીબોએ આ સફળતાના પ્રતિક સમી કેક કટિંગ પણ કર્યું હતું. જે આસીમ હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે પોતાના હાથની આંગળીઓ હલાવવા પણ સક્ષમ ન હતો તેણે કેકનું કટિંગ કરીને તબીબોના મોં મીઠા કર્યા.
બાળરોગ વિભાગના હેડ ડો. શીલા ઐયર જણાવ્યું કે, મારી ૩૩ વર્ષની કારકિર્દીમાં આવો કેસ ક્યારેય હેન્ડલ કર્યો નથી.
મજ્જાતંત્રની બહુવિધ બીમારી અને લાંબા સમય સુધી આવી સ્થિતિમાંથી દર્દી રિકવર થાય તેવો કિસ્સો અમારામાંથી કોઇએ જાેયો નથી. આ કિશોરને ઇન્ડોર પેશન્ટ તરીકે ૬ મહિનાનો સમય થઈ ચૂક્યો છે. તેમાંથી તે સાડા ચાર મહિના તો વેન્ટીલેટર પર રહ્યો હતો. સારી વાત તો છે કે, તેણે યાદશક્તિ બિલ્કુલ ગુમાવી નથી. તે તેમના પરિવારજનોને સારી રીતે ઓળખી શકે છે.HS