Western Times News

Gujarati News

વડોદરાની સોસાયટીના મકાનમાંથી સોના-ચાંદી સહિત ૧.૨૨ લાખની ચોરી

વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં આવેલી સિદ્ધ કુટીર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા ૧.૨૨ લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મોડી રાત્રે ચોરીના બનેલા બનાવે સોસાયટી સહિત જરોદમાં ચકચાર જગાવી મુકી હતી. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાઘોડિયાના જરોદની સિદ્ધ કુટીર સોસાયટી આવેલી છે. આ સોસાયટીના મકાન નં-૮માં કિરીટસિંહ વિક્રમસિંહ ચૌહાણ પરિવાર સાથે રહે છે. મોડી રાત્રે તેઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનની પાછળ આવેલ કમ્પાઉન્ડ દિવાલ ઉપરની તારની ફેન્સિંગ કુદીને તસ્કરો ઘૂસ્યા હતા. મકાનના કમ્પાઉન્ડમાં તસ્કરો પ્રવેશ્યા બાદ મકાનની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાંથી દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર, બે તોલાની સોનાની ચેઇન તેમજ ૧૫૦ ગ્રામની ચાંદીની કંદોરી, ચાંદીની લકી તેમજ રોકડ રૂપિયા ૨૫૦૦ મળી કુલ્લે રૂપિયા ૧.૨૨ લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.

મોડી રાત્રે બનેલા ચોરીના બનાવની જાણ સોસાયટીમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગેની જાણ જરોદ પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. અને મકાનમાં થયેલી ચોરી અંગે તપાસ હાથ ધરી હતી. કિરીટસિંહ ચૌહાણે પોલીસને જણાવ્યું હતું કે, તસ્કરો ઘરમાંથી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧.૨૨ લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ વાઘોડિયા પોલીસ મથકના પી.એસ.આઇ. જે. કે. બાવિસ્કર કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.