વડોદરામાં કપલે બેંકોને ૭.૫ કરોડનો ચુનો લગાવ્યો
બંધન બેંકમાંથી ૭.૫૦ કરોડની લોન મેળવી વ્યાજ સહિત ૧૧.૪૨ કરોડની છેતરપિંડી
વડોદરા, સયાજીગંજ ફોનિક્સ કોમલેક્સ સ્થિત એક્સેલ ઈલેક્ટ્રિક પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર દંપતીએ બેંકના બનાવટી એનઓસીના આધારે બંધન બેંકમાંથી ૭.૫૦ કરોડની લોન મેળવી વ્યાજ સહિત ૧૧.૪૨ કરોડની છેતરપિંડી આચરતાં બંધન બેંકના ક્લસ્ટર હેડે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બંધન બેંકના ક્લસ્ટર હેડ મુકીમ અબ્દુલ્લા કાઝી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ૨૦૧૬ દરમિયાન સયાજીગંજ ફોનિક્સ કોમ્પ્લેક્સમાં આવેલી એક્સેલ ઈલેક્ટ્રિકના પ્રોપરાઇટર પ્રકાશ પ્રદ્યુમન દવે, તેમનાં પત્ની ઉલ્પા પ્રકાશ દવેએ ઓપી રોડ સ્થિત બંધન બેંકની શાખાનો સંપર્ક સાધી બિઝનેસ હેતુ સીસી લોનની માગ કરી હતી.
આ લોન માટે તેમને બેંક ઓફ બરોડોમાં ચાલતી તેમની સીસી લોન માટે એનઓસી લઈ આવવાનું કહેવામાં આવ્યું હતું. જે તેણે આજકાલ કરતા એક વર્ષ પછી સબમિટ કર્યું હતું. જાેકે આ દરમિયાન લોન માટે બેંકના અધિકારીઓ અને પ્રકાશ વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી.
લોન માટે કરેલી અરજી અને ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા બાદ કલકત્તાથી બેંકના અધિકારીઓ આવ્યા હતા અને તેમણે પ્રકાશની કંપની મે. એક્સેલ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિ. ની ઓફિસ અને પ્લાન્ટની મુલાકાત લીધી હતી. બેંક મેનજરે પણ પ્રોજેક્ટ સાઈટ અને પ્લાન્ટ વિઝિટ કરી કાગળો સીસી લોન માટે કોલકતા મોકલ્યા હતા. જ્યાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ ૭.૫૦ કરોડની સીસી લોન સેક્શન થઈ હતી.