વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત: સ્વાઈન ફ્લુ પણ વકર્યો
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાની એન્ટ્રી થઈ
(પ્રતિનિધિ)વડોદરા, ગુજરાતમાં ફરી એક વાર કોરોનાની એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરામા કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયુ છે. પંચમહાલના ૬૦ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન કોરોનાથી મોત થયુ હોવાનું સામે આવી રહ્યું છે.
છાતીમાં દુખાવા સહીત શ્વાસ લેવાની તકલીફ થવાના કારણે કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં એસ એસ જી હોસ્પિટલમાં કોરોનાના ૫ અને સ્વાઈનફલૂનો એક દર્દી કેસ નોંધાયા છે. બીજી તરફ આ અગાઉ પણ વડોદરામાં ૫ જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. બીજી તરફ રાજ્યમાં કોરોનાની સાથે સ્વાઈનફ્લૂના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. આ અગાઉ રાજકોટમાં કોટડાસાંગાણીની યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ.
રાજકોટ જિલ્લામાં એક માસમાં સ્વાઈન ફ્લૂના ૧૬ દર્દી નોંધાયા હતા. જેમાં જેતપુરમાં ૫ કેસ નોંધાયા હતા. તેમજ ધોરાજી, લોધીકા અને પડધરીમાં એક-એક સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા હતો. આ ઉપરાંત ઉપલેટા, જસદણ અને રાજકોટમાં સ્વાઈન ફ્લૂના ૨ કેસ નોંધાયા હતા. તેમજ અમદાવાદમાં પણ છેલ્લા ૧૦ દિવસમાં સ્વાઈન ફ્લુના ૬૦ જેટલા કેસ નોંધાયા હતા.
સ્વાઈન ફ્લુના સામાન્ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, ઝાડા, ઉબકા કે ઉલટી, વહેતું નાક વગેરેનો સમાવેશ થાય છે. સ્વાઈન ફ્લુ ગંભીર હોય તો, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, ઓક્સિજનની અછત, છાતીમાં દુખાવો, સતત ચક્કર, ભારે નબળાઈ અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો દેખાઈ શકે છે. કોરોનાની જેમ સ્વાઈન ફ્લૂ રોગમાં પણ તે દર્દીના ફેફસાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જે લોકો પહેલાથી જ ફેફસાના રોગથી પીડિત છે, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, આવા લોકો આ રોગનો શિકાર બને છે.