વડોદરામાં જ્વેલરી શોપના માલિક પર હુમલો-લૂંટ કરી આરોપી ફરાર
વડોદરા, વડોદરા શહેરમાં એક જવેલરી શોપમાં ધોળા દિવસે જીવલેણ હુમલા સાથે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા પોલીસની કાયદો અને વ્યવસ્થા પર ફરી એક વાર સવાલો ઉઠયા છે. સતત ટ્રાફિફથી ધમધમતા ઓલ્ડ પાદરા રોડ પરની એક જવેલરી શોપમાં ધોળા દિવસે વેપારી પર જીવલેણ હુમલો કરી લૂંટની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી છે.
શહેરના ઓ.પી. રોડ પર આવેલા રાજવી ટાવરમાં પહેલા માળેમાં કૃપા જ્વેલર્સ નામની જ્વેલરી શોપ આવેલી છે. જેના માલિક રાજેશકુમાર રમણલાલ સોની નિયમીત ક્રમની જેમ બુધવારે દુકાન પર હાજર હતા. ત્યારે બપોરે ૧૧-૩૦ વાગ્યે મોંઢે રૂમાલ બાંધી દુકાનામાં આવેલા યુવકે અંદાજીત એક કલાક સુધી દુકાન માલિક રાજેશભાઇ પાસે જુદા જુદા દાગીના જાેવાના બહાને ટાઇમ વેડફ્યો હતો.
અને મોકો મળતા જ યુવકે પોતાની પાસેનું ચપ્પુ કાઢી દુકાનના લોકરરૂમમાં સોની રાજેશ કુમારના ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવા માં આવ્યા હતા સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ થતા ડીસીપી, એસીપી સહિતનો સ્ટાફનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ અધિકારીઓએ સીસીટીવી અને મોબાઇલ સર્વેલન્સના આધારે લુંટારૂની શોધખોળ હાથ ધરી છે. હુમલાખોરોને પકડી પાડવા માટે સ્થાનિક પોલીસની સાથે ડીસીબી, ઓસઓજી, પીસીબી, સહિતની જુદી જુદી ટીમો બનાવી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.