વડોદરામાં ટીમ રિવોલ્યુશને 20 કિલો લીંબુ વહેંચીને મોંઘવારીનો વિરોધ કર્યો

વડોદરામાં મોંઘવારી મુદ્દે આજે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ દ્વારા લીંબુ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં 20 કિલો જેટલા લીંબુ વહેંચ્યા હતા. જેમાં પહેલા શહેર ભાજપ કાર્યાલયે યોજાનારા કાર્યક્રમને પોલીસ કમિશનર કચેરી ખાતે યોજતા પોલીસકર્મીઓમાં ભાગદોડ મચી ગઇ હતી.
પેટ્રોલ-ડીઝલ બાદ લીંબુના ભાવ પણ આસમાને પહોંચતા આજે મોંઘવારીના વિરોધમાં વડોદરાના ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ અને તેમના સમર્થકોએ લીંબુનું મફત વેચાણ કરવાનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. જેમાં સ્વેજલ વ્યાસે પહેલા જાહેરાત કરી હતી કે, આ કાર્યક્રમ સયાજીગંજ ખાતે ભાજપ કાર્યાલય બહાર આયોજીત કરશે.
આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો મોટો કાફલો ભાજપ કાર્યાલય બહાર આવી ગયો હતો. જેથી સ્વેજલ વ્યાસે અંતિમ ક્ષણે જાહેરાત કરી હતી કે, હવે તેઓ પોલીસ ભવન ખાતે લીંબુ વિતરણનો કાર્યક્રમ કરશે.
આમ અચાનક સ્થળ બદલી નાખતા પોલીસકર્મીઓમાં પણ ભાગદોડ મચી હતી. પોલીસ ભવન ખાતે લીંબુ વિતરણ કરવા પહોંચેલા સ્વેજલ વ્યાસે કહ્યું હતું કે, દેશમાં લોકશાહી છે અને તેમાં દરેકને રજૂઆત કરવાનો અધિકાર છે. ખેડૂત 120 રૂપિયામાં લીંબુ વેચે એ લીંબુ આપણે 350માં લઇએ તો 230 રૂપિયા કોણ ખાય છે? સરકાર તેનો જવાબ આપે.