વડોદરામાં ડેંગ્યુનો હાહાકાર : બે દિવસમાં પાંચના મોત
અમદાવાદ: વડોદરા સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં ડેંગ્યુનો હાહાકાર જારી રહ્યો છે. વડોદરામાં બે દિવસમાં જ પાંચના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં કેસોનો ભરાવો થઇ રહ્યો છે. સુવિધાઓનો અભાવ પણ દેખાઈ રહ્યો છે. માત્ર વડોદરામાં જ નહીં બલ્કે અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં પણ ડેંગ્યુના કેસો મોટાપાયે સપાટી ઉપર આવ્યા છે. તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાયા હોવા છતાં કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે.
વડોદરામાં તો આ વર્ષે હજુ સુધી ૪૫૦૦થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુની બિમારીએ જબરદસ્ત હાહાકાર મચાવ્યો છે.
ખાસ કરીને છેલ્લા બે દિવસમાં એટલે કે, માત્ર ૪૮ કલાકમાં પાંચ લોકોના ડેન્ગ્યુના કારણે મોત નીપજતાં વડોદરા અને તેની આસપાસના પંથકોમાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, બીજીબાજુ, સ્થાનિક આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે. પરિÂસ્થતિ એટલી હદે વકરી છે કે, વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.
સયાજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા દર્દીઓને નીચે જમીન સૂવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. વડોદરામાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી ૪૫૦૦થી વધુ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૯૦૦ કેસો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જેને પગલે વડોદરાની તમામ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે.
સયાજી હોસ્પિટલના વોર્ડમાં ૫૦ બેડની સામે દર્દીઓની સંખ્યા વધી જતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં છેલ્લા માત્ર ૪૮ કલાકમાં જ ગોત્રી વિસ્તારમાં રહેતા કૌશલ પટેલ, રમેશ સોલંકી, તરસાલી વિસ્તારમાં રહેતા કૌશલ સેવક, શોભાબેન પરમાર અને કારેલીબાગના દિપેશ શાહનું ડેન્ગ્યુની બિમારીથી મોત નીપજ્યા હતા.
જેને પગલે આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે, પરંતુ સરકારી હોસ્પિટલોમાં બેડ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે દર્દીઓને હેરાન-પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુએ મચાવેલા હાહાકારને લઇ હવે વડોદરા અને તેની આસપાસના પંથકના નાગરિકોમાં પણ ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
તો, સ્થાનિક તંત્ર દ્વારા પણ લોકોને ડેન્ગ્યુને લઇ સાવચેતી અને જાગૃતિ રાખવાના ઉપાયો અને મચ્છરજન્ય ઉપદ્રવ નિવારણના પગલાં લેવાઇ રહ્યા છે. જા કે, તેમછતાં ડેન્ગ્યુની અસર ઓછી થતી જણાતી નહી હોઇ તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.