વડોદરામાં ત્રણ સ્થળોએ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોનની લૂંટ
વડોદરા, વડોદરામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અલગ-અલગ ત્રણ સ્થળોએ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી બે અજાણ્યા બાઇક સવાર શખ્સો નાસી છૂટયા હતા. આ બનાવો અંગે સંબધિત પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળેલી માહિતી મુજબ વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતો સુનિલ શુક્લા શુક્રવારે વહેલી સવારે આજવા રોડ ઉપર આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા પગપાળા જઇ રહ્યો હતો.
તે સમયે બાઇક ઉપર ધસી આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી પાછળ બેસેલા શખ્સ રૂપિયા ૪૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન ઝૂંટવી લૂંટ ચલાવી હતી. યુવકે બાઇક સવારનો દોડીને પીછો કરતા એચપી પેટ્રોલ નજીક હકુ વણઝારા ( રહે- લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ) નામના વ્યક્તિના ૧૧ હજારની કિંમતના મોબાઇલની પણ ઉપરોક્ત બાઇક સવારોએ લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું હતું.
આ ઉપરાંત ભરૂચની રહેવાસી આસિફા સૈયદ એમ.એસ. યુનિવર્સિટીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે રેલવે સ્ટેશનથી એસ.ટી. ડેપો તરફ પગપાળા જતી હતી. તે સમયે પ્રતાપગંજ પોસ્ટ ઓફિસ પાસે મોબાઈલ ફોન ઉપર વાતચીત ચાલુ હતી તે વખતે અજાણ્યા બાઇક સવાર બે શખ્સો હાથમાંથી ૧૩ હજારની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.SSS