વડોદરામાં દારૂની મહેફિલ માણતા ૧૦ નબીરા ઝડપાયા
વડોદરા, છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના સ્થળોએ નશીલા પદાર્થ ઝડપાવવાની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં જ વડોદરામાં એક મોટી દારુ મહેફિલમાં ૧૦ નશેડી ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે.
વડોદરાના પાદરા- ગોરીયાદ પાસે ખુલ્લી જગ્યામાં દારૂની મહેફિલ માણતા ૧૦ નબીરાઓ પોલીસની અડફેટે ચડી જતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં શહેર કોન્ગ્રેસના પૂર્વ પ્રમુખ અને તેનો ભાઈ પણ સામેલ હોવાની વાત સામે આવતા વાત ચર્ચાના ચકડોળે ચઢી છે.
સમાજમાં દારૂને દૂષણને બદલે ભૂષણ માનતા આ નબીરાઓ ખેતરાઉ જેવી ખુલ્લી જગ્યાએ એકત્રિત થઈને મહેફીલે મંડયા હતા. પોલીસને શહેરના પાદરા-ગોરીયાદ નજીક ખુલામાં શરાબની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા જ પોલીસ ત્રાટકી હતી.
પોલીસે દારૂના મુદ્દા માલ સાથે ૧૦ જેટલા નબીરાની અટકાયત કરી છે અને તેમને પોલીસ મથક લાવવામાં આવ્યા છે. નબીરાઓ સાથે શહેર કોંગ્રેસ નાં પૂર્વ પ્રમુખ અને તેનો ભાઈ પણ સામેલ હોવાની વાતે વધુ ચર્ચા જગાવી છે. નબીરાઓ ઝડપાતા જ મોબાઈલની ઘંટડી રણકતી થઇ ગઈ છે.
વડોદરાથી ગાંધીનગર સુધી તાર ઝણઝણવા લાગતા પોલીસે પણ સાવચેતી દાખવવાનું શરુ કર્યું છે. વડોદરા શહેર કોન્ગ્રેસના પૂર્વ પ્રમુખ સંજય સોલંકી અને તેમનો ભાઈ પણ આ મહેફિલમાંથી ઝડપાયા છે હાલમાં તપાસ ચાલી રહી છે.HS