વડોદરામાં પરિણીતાના ઘરે મળવા ગયેલા પ્રેમીની હત્યા
વડોદરા: વડોદરા જિલ્લાના કરજણમાં પરિણીતા સાથેના પ્રેમ સંબંધને લઇને પ્રેમીની હત્યા બાદ લાશ સગેવગે કર્યાંની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. પોલીસે યુવતીના પતિ, ભાઈ અને દિયર સહિત ૪ શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
પરિણીતાનો પ્રેમી યતીન કાનજીભાઇ રોહિત ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. બે દિવસ અગાઉ તે રાબેતા મુજબ નોકરી ઉપર ગયા બાદ મોડી રાત સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. દરમિયાન પરિવારને જાણવા મળ્યું હતું કે, યતીનને કરજણમાં રહેતી પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી યતીન તેના ઘરે મળવા ગયો હતો. જે અંગેની જાણ યુવતીના ભાઈ સતિષભાઈ વસાવા(રહે, કુરાઈ, કરજણ, વડોદરા ), પતિ દેવેન્દ્રભાઈ વસાવા, દિયર અતુલભાઇ વસાવા(બંને રહે, પીંગલવાડા, કરજણ, વડોદરા) તેમજ તેમનો મિત્ર દિપક વસાવા(રહે, ખાંધા, કરજણ, વડોદરા) ને થતાં યતીન સાથે મારામારી કરી હતી. ત્યાર બાદથી તે ગાયબ હતો.
આ બાબતે યતીન ગુમ થયાની ફરિયાદ તેમના પરિવારજનોએ કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મંગળવારે સવારે યતીનનો મૃતદેહ પીંગલવાડા ગામની સીમમાથી પસાર થતી ઢાઢર નદીમાંથી મળી આવ્યો હતો. જાેકે, નદીમાં પુષ્કળ પ્રમાણમાં મગર હોય પોલીસે તેની લાશને પાણીમાંથી બહાર કાઢી કિનારા ઉપર મૂકી હતી. લોહીલુહાણ હાલતમાં મળી આવેલી લાશના આખા શરીરે ઇજાઓના નિશાન તથા માથાના ભાગે ઘાતક હથિયારથી કરાવામાં આવેલા હુમલાના નિશાન જણાઇ આવ્યા હતા.
પોલીસે લાશનો કબજાે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તે સાથે યતીનને મોતને ઘાટ ઉતારી લાશ સગેવગે કરનાર હત્યારાઓ સામે ગુનો દાખલ કરીને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે કરજણ પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.