વડોદરામાં પાંચ પોલીસ જવાનોને કોરોનાનો ચેપ
વડોદરા: શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત સાથે કામ કરતા પાંચ પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોક પોલીસ કમિશનરનો રિપોર્ટ નેગેટિવ આવતા બુધવારે તેમણે ઓફિસનું કામ ચાલું રાખ્યું હતું. સાવધાનીના ભાગ રૂપે આ ટેસ્ટ કરાયો હતો, જેનું પરિણામ મંગળવારે રાત્રે આવ્યું હતું.
આ પાંચ પોલીસકર્મીઓમાંથી એક ગહલોતની કારના ડ્રાઈવર અને બીજા તેમના ગનમેન હતા. જ્યારે અન્ય ત્રણ પોલીસ કમિશનરની સિક્યોરિટી માટે પાઈલોટ કારમાં ચાલતા પોલીસકર્મીઓ હતા. ગહલોતે કહ્યું, તમામને રેલવે હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે અને અમે તેમના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવીશું. આ તમામ પોલીસકર્મીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી.
ગહલોત સાથે કામ કરતા સ્ટાફનો થોડા મહિનાઓ અગાઉ પણ કોરોના ટેસ્ટ કરાયો હતો અને સાવધાનીના ભાગ રૂપે તેમનો ફરીથી ટેસ્ટ કરાયો હતો. પોલીસે જણાવ્યું કે, પાંચ પોલીસકર્મીઓને તેમના આવાસ સ્થાનેથી અથવા ફરજ દરમિયાન અન્ય સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હોઈ શકે છે. આ તમામને રિપ્લેસ કરનારા પોલીસકર્મીઓનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કોરોનાની આ મહામારીમાં ઘણી બધી વસ્તુઓને ધ્યાન રાખવાનું હોય છે એવામાં પોલીસ કમિશનર ક્વોરન્ટાઈન થઈ શકે નહીં. કમિશનરની ઓફિસ આવી છે તેવા પોલીસ ભવનને રેગ્યુલર સેનિટાઈઝ કરાવવામાં આવે છે અને તેમાં ઘણા ઓછા નાગરિકોને પ્રવેશ આપવામાં આવે છે.