વડોદરામાં પાંચ માસ પહેલા ભાગેલ યુવતી-સગીરા ઝડપાયા

વડોદરા: શહેરમાં પાંચ માસ પહેલા ૨૫ વર્ષની યુવતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગઇ હતી. જે બંનેને પીસીબીની ટીમે અમદાવાદથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. યુવતીએ સગીરા સાથે શારીરિક સંબંધ હોવાનું જણાવ્યું હતુ. જેથી તે બંનેનું મેડિકલ પરીક્ષણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે, યુવતી લૂંટેરી દુલ્હન બનીને અનેક યુવકોને પણ ફસાવ્યા છે. જાેકે, આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં પાણીગેટ વિસ્તારમાં આશરે ૫ માસ પહેલા સગીરા ગુમ થઈ હતી.
જે બાદ પરિવારે ઘણી જ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઇ ભાળ ન મળતા પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ પોલીસને માહિતી મળતાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ ટીમને સાથે રાખી અમદાવાદમાં મજૂરી કામ કરી સાથે રહેતી સગીરા અને યુવતીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, ૫ માસ અગાઉ સગીરાના પાડોશમાં એક યુવતી ભાડે રહેવા આવી હતી.
તેણીએ સગીરા સાથે પરિચય કેળવ્યો હતો અને બંને વચ્ચે આકર્ષણ વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેમાં યુવતીએ સગીરાને લાલચ આપી હતી કે, તે તેના સારી જગ્યાએ લગ્ન કરાવી આપશે જે બાદ બંને ફરાર થઇ ગયા હતા. તેઓ અમદાવાદમાં સાથે રહેતાં હતાં અને મજૂરી કરતાં હતાં. તે બંને વચ્ચે સજાતીય સંબંધ પણ બંધાયો હતો.
પાણીગેટ પોલીસે બંનેના મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં અન્ય એક પણ ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ યુવતીએ લૂંટેરી દુલ્હન બની અનેક યુવકોને ઠગ્યા હતા. યુવતી લગ્ન કરવા ઇચ્છતા યુવકોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી નાણાં ખંખેરી લેતી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.