વડોદરામાં બંધ મકાનમાંથી ૧.૯૫ લાખની લૂંટ ચલાવાઇ
વડોદરા, વડોદરા શહેરના મકરપુરાના તરસલીમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલા નાઇટ શિફ્ટમાં નોકરી ઉપર ગયા હતા, ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ, ૧.૯૫ લાખની મત્તાની ચોરી જતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના મકરપુરાના તરસાલીમાં રહેતા મીનાક્ષીબેન નીખિલભાઈ પટેલ ઇવા મોલ સામે આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમજ તેમના પતિ ભરૂચ ખાતે સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. જેથી તેઓ ઉમરલા ખાતે રહેતા હતા અને શનિવાર અને રવિવારે વડોદરા આવતા હતા.
ગત તા. ૨૦ જાન્યુઆરીના રોજ મીનાક્ષીબેનની નાઇટ શિફ્ટમાં નોકરી હોવાથી તેણી મકાનને તાળું મારી પુત્રને પિતાને ત્યાં મૂકીને નોકરી ઉપર ગયા હતા. આખી રાત નોકરી કર્યાં બાદ બીજા દિવસે સવારે નોકરી પતાવી ઘરે ગયા હતા.દરમિયાન તેણીને મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો. જેથી તેણીએ મકાનમાં જય તપાસ કરતા મકાનમાં તમામ સામાન વેરવિખેર જાેવા મળ્યો હતો.
ત્યારે તમેણે વધુ તપાસ કરતા બેડરૂમમાં માળિયા પર સ્ટીલના ડબ્બામાં મુકેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રૂ. ૬૦,૦૦૦ મળી કુલ રૂ. ૧.૯૫ લાખની ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી તેણીએ બનાવ અંગે તેણી નોકરી ઉપર ગયા હોય અને બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ, ૧.૯૫ લાખની મતા ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.HS