વડોદરામાં બસની ટક્કરે ટુવ્હીલર ચાલકનું મોત થયું
વડોદરા,: વડોદરા શહેરમાં એક ગમખ્વાર અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોત્રી ચાર રસ્તાથી ગોત્રી પોલીસ સ્ટેશન જવાના રસ્તે આવેલી હોટલ તારાસન્સ સામે વડોદરાની જ એક લક્ઝરી બસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં રહેતા અનિલ શાહ ગઈકાલે રાત્રે તેમના ટુ-વ્હીલર એક્સેસ પર ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓ પોતાના વ્યવસાયેથી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે પટેલ ટ્રાવેલ્સનું સાઇન બોર્ડ મારેલી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી.
આ બસની ટક્કરે કરૂણાંતિકા સર્જી હતી. આ બસની ટક્કર વાગતા ટુ વ્હીલર પરથી અનિલ શાહ પટકાયા હતા અને બસનો જાેટો તેમના માથા પરથી ફરી જતા ઘટના સ્થળે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. નજરે જાેનારા લોકોના મતે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ ચાલકના પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું. દરમિયાન પોલીસે અકસ્માતનો ભોગ બનનારા અનિલ શાહના પરિવારની શોધખોળ હાથધરી મોડી રાત્રે તેમને જાણકારી આપી હતી. મૃતક અનિલ શાહ લેબોરેટરીના સંચાલક હતા. તેમના મોતના કારણે પરિવાર માથે આભ ફાટી પડ્યું છે.
શહેરોમાં ટ્રાફિક નિયમનના કાયદા મુજબ ચોક્કસ સમય બાદ ભારે વાહનોને પ્રવેશ તો આપવામાં આવે છે પરંતુ માતેલા સાંઢની જેમ ફરતા ભારે વાહનો છાશવારે નિર્દોશ ચાલકોનો ભોગ લઈ લે છે ત્યારે ભારે વાહનોના પ્રવેશના કાયદામાં ફેર વિચારણાની જરૂરિયાત છે.