વડોદરામાં મહાનગરપાલિકાએ ટેગિંગ વિનાના ૩૫ રખડતા ઢોર પકડયા

પ્રતિકાત્મક
વડોદરા, વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨થી ટેગિંગ કર્યા વિનાના ઢોર પકડાશે તો છોડવામાં નહીં આવે. આ કાર્યવાહી હેઠળ છેલ્લા પાંચ દિવસમાં ટેગિંગ વિનાના ૩૫ ઢોર પકડવામાં આવ્યા છે.
વડોદરામાં રખડતા ઢોરની અડફેટે આવી જતાં અકસ્માત અને ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ છાશવારે બન્યા કરે છે. આ અંગે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જાહેર મંચ પરથી વડોદરાના મેયર કેયુર રોકડિયાને ટકોર પણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. કોર્પોરેશને ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ જાહેનામું બહાર પાડ્યું હતું કે, હવે જાે ટેગિંગ કર્યા વિનાના ઢોર પકડવામાં આવશે તો તેને મુક્ત કરવામાં નહીં. આ જાહેરનામું અમલી બન્યાને પાંચ દિવસ થઇ ગયા છે.
જેમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં ટેગિંગ વિનાના ૩૫ ઢોરને પકડવામાં આવ્યા છે.ટેગિંગ વિના ઝડપાયેલ ઢોર તારીખ પ્રમાણે જાેઇએ તો ૧૭ ફેબ્રુઆરી-૬,૧૮ ફેબ્રુઆરી- ૯,૧૯ ફેબ્રુઆરી-૫,૨૦ ફેબ્રુઆરી-૭,૨૧ ફેબ્રુઆરી- ૮ કુલ-૩૫ વડોદરા શહેરમાં જાહેર રસ્તા ઉપર રખડતાં પશુઓને કારણે ટ્રાફિક, અકસ્માત તથા ગંદકીની સમસ્યા સર્જાય છે.
રસ્તે રખડતા પશુઓના કારણે અકસ્માત થવાથી મોત પણ નિપજ્યા છે. જેથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા વખતોવખત જાહેરનામું પ્રસિદ્ધ કરી વડોદરા શહેરમાં રજીસ્ટ્રેશન અને ટેગિંગ વગરના પશુઓને નહીં છોડવા માટે પશુપાલકોને સૂચિત કરવામાં આવ્યા હતા.
દરમિયાન તાજેતરમાં વડોદરા કોર્પોરેશની મળેલી સામાન્ય સભામાં રજીસ્ટ્રેશન અને ટેગિંગ વગરના પશુઓ નહીં છોડવા બાબતેનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. જેથી હવે પશુપાલકોએ ફરજિયાત પણે પશુઓનું રજીસ્ટ્રેશન અને ટેગિંગ કરાવવાનું રહેશે. પશુના જન્મના છ માસમાં રજીસ્ટ્રેશન અને ટેગિંગ પ્રક્રિયા કરવાની રહેશે.
નવા ખરીદેલા પશુ તથા મૃત પશુ અંગેની જાણ ૧૫ દિવસમાં કોર્પોરેશનને કરવાની રહેશે. કોર્પોરેશન દ્વારા આ અભિયાન તા. ૧૭ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું.શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધતાં ઓક્ટોબર મહિનામાં રખડતા પશુઓને પકડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ચાર મહિનામાં પાલિકાની ઢોર પકડ પાર્ટીએ ૩ હજારથી વધુ રકડતી ગાયોને પકડી દંડની વસૂલાત કરી છે.HS