વડોદરામાં મ્યુકર માયકોસીસે માથું ઉંચક્યું, એક વૃદ્ધાનું મોત
વડોદરા: કોરોના બાદ સૌથી વધુ મ્યુકરમાયકોસીસ નામનો ઘાતક રોગ લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજપીપળાના વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મ્યુકરમાયકોસીસ થયા બાદ મોત નીપજ્યું છે. મ્યુકરમાયકોસીસ નામનો ઘાતક રોગ હવે માથું ઊંચકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં મ્યુકરમાયકોસીસને કારણે ૮ જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના અહેવાલ તાજેતરમાં પ્રાપ્ત થયા છે.
હવે વડોદરામાં પણ મ્યુકરમાયકોસીસથી મૃત્યુ થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. શહેરના દાંડિયાબજારમાં આવેલી સિદ્ધિ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલના ડૉ. જયેશ રાજપરાના જણાવ્યા પ્રમાણે, ૧૦ દિવસ પહેલા મૂળ રાજપીપળાના વૃદ્ધા કોરોનાની સારવાર અર્થે તેમની હોસ્પિટલમાં આવ્યા હતા. તેમની કોરોનની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ત્રણ દિવસ પહેલા તેમના નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થઇ ગયું હતું.
જેને કારણે તેમના રિપોર્ટ્સ કઢાવવામાં આવ્યા હતા. વધુમાં ડૉ. જયેશ રાજપરાએ ઉમેર્યું હતું કે, વૃદ્ધામાં મ્યુકરમાયકોસીસના ક્લિનિકલ લક્ષણો પણ જાેવા મળ્યા હતા. જેને ધ્યાને લઈને તેમના શરીરના સેમ્પલને એડવાન્સ ચેકીંગ માટે મોકલવામાં આવ્યા છે. જેના પરથી સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે. વડોદરા શહેરમાં મ્યુકરમાયકોસીસથી મૃત્યુ થવાનો આ પ્રથમ કિસ્સો છે.