વડોદરામાં રસી ખૂટી પડતા રસીકરણની પ્રક્રિયા ખોરવાઈ
વડોદરા, વડોદરા શહેરમાં કોરોનાની રસી ખૂટી પડતા રવિવારે રસીકરણની પ્રક્રિયા સંપૂર્ણ પણે ખોરવાઈ હતી. જેના કારણે રવિવારના રોજ રસીકરણ અભિયાન મોકૂફ રાખવાની ફરજ પડી હતી. આજે રસીકરણ પ્રક્રિયા બંધ હોવાના કારણે અસંખ્ય નાગરિકો લાભથી વંચિત રહ્યા હતા.
વડોદરા શહેરમાં કોરોના વાઇરસ ત્રીસ હજારનો આંકડો વટાવવાની તૈયારીમાં છે. રોજ કોરોનાના ૩૦૦ થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહયા છે, ત્યારે તંત્રના તમામ આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગ માટે લોકોની લાંબી કતારો રોજે રોજ જાેવા મળી રહી છે. શહેરની હાલની સ્થિતિ જાેતા રસીકરણ પ્રક્રિયા અનિવાર્ય બની છે, તેવામાં સરકાર દ્વારા અપાયેલા લક્ષ્યાંકને પૂરું કરવાના ચક્કરમાં વડોદરાના વહીવટી તંત્રએ સ્વૈચ્છિક સંગઠનોની મદદથી આડેધડ કેમ્પનું આયોજન કરતા રજિસ્ટ્રેશન વધી ગયું હતું.
જેના પગલે રસી ખૂટી પડતા અનેક કેમ્પોમાં માણસો તો હતા પરંતુ રસી નહોતી તેવી સ્થિતી સર્જાઇ હતી. જ્યારે અનેક સ્થળે કેમ્પો રદ્દ કરવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે, સરકાર દ્વારા વધુમાં વધુ લોકો સુધી રસીનો લાભ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,
પરંતુ શહેરના વહીવટી તંત્ર દ્વારા સરકારને ખુશ કરવા માટે કેટલીક સંસ્થાઓની મદદથી રવિવારના રોજ આડેધડ કેમ્પનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરીકોએ નોંધણી કરાવી દેતા તંત્રને પોતાની પાસે રસીનો પૂરતો સ્ટોક ન હોવાનું ભાન થયું હતું. જેના કારણે તાત્કાલિક ધોરણે રસીકરણ પ્રક્રિયા મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર રજાના દિવસે પણ રસીકરણની પ્રક્રિયા ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે ત્યારે વડોદરા પાલિકાના અણઘડ વહીવટના કારણે આજે સમગ્ર શહેરમાં રસીકરણ પ્રક્રિયા સંપૂર્ણ પણે ઠપ થઈ ગઈ હતી. જેના કારણે અસંખ્ય લાભાર્થીઓ રસી મુકાવવા થી વંચિત રહ્યા હતા.