વડોદરામાં રેલવે વિભાગમાં 190 કર્મચારી અને પરિવારજનો કોરોના સંક્રમિત
વડોદરા શહેરમાં રેલવેકર્મચારીઓ પણ કોરોના વાઈરસની બીમારીમાં સપડાયા છે. વડોદરા રેલવેતંત્ર દ્વારા 350 જેટલા આર્ટિફિશિયલ ટેસ્ટ અને 400 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બંને મળી કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 190 પર પહોંચ્યો છે.
આમાં રેલવેકર્મચારીઓ અને તેમનાં પરિવારજનોનો સમાવેશ થાય છે. વડોદરા રેલવેના કર્મચારીઓ અને તેમનાં પરિવારજનો કોરોના સંક્રમિત થતાં કેટલાક દર્દીને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં ભરતી કરી સારવાર શરૂ કરવામાં આવી છે, તો કેટલાકને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
જે કોરોના સંક્રમિત રેલવે કર્મી હોસ્પિટલમાં ભરતી થવાની ઈચ્છા ધરાવે તેવા કર્મીઓને પ્રતાપનગર રેલવે હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે અને જે કર્મચારી ઘરે રહીને સારવાર કરવા જણાવે છે તેવા દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે,
જેમને એક કિટ આપવામાં આવે છે, જેમાં થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર, તમામ ઈન્સ્ટ્રક્શન અને દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની માહિતી કિટમાં આપવામાં આવી છે.
એ પ્રમાણે હોમ ક્વોરન્ટીન થયેલા દર્દી સવારે અને સાંજે એમ બે ટાઈમ ફોટો પાડીને રેલવે હેલ્થ ડિપાર્ટમેન્ટને મોકલવાનો હોવાનું જણાવાયું છે. જેથી દર્દીઓના આરોગ્ય વિશે જાણકારી મળી રહે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા રેલવે વિભાગને કોરોના ટેસ્ટ કરવા માટે ઓગસ્ટ માસમાં આર્ટિફિશિયલ અને રેપિડ કિટ આપવામાં આવી હતી, ત્યાર બાદ પ્રતાપનગર રેલવે કોલોની અને યાર્ડમાં પણ ધનવંતરી રથના રાઉન્ડ પૂર્ણ કરાયા હતા, જેમાં રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમનાં પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કોઇપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નહોતો.
જોકે હાલ પ્રતાપનગર રેલવે હોસ્પિટલ દ્વારા કોરોનાની ગંભીરતાને ધ્યાને લઇને આશરે 350 જેટલા આર્ટિફિશિયલ ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 40 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 400 જેટલા રેપિડ કરવામાં આવતાં એમાંથી 150 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જેને લઈ રેલવેતંત્ર સજ્જ થયું છે.