વડોદરામાં લીગલ ગાર્ડિયનશીપ અંગે કાર્યશાળા યોજાઈ
દિવ્યાંગોને સ્પર્શતા વિવિધ કાયદાઓ થતા લીગલ ગાર્ડિયનશીપની જોગવાઈઓ અંગે સમજ અપાઈ
આ કાર્યશાળામાં ૧૨૫ વ્યકતિઓએ ભાગ લીધો
વડોદરા, તા.૨૫ એપ્રિલ, ૨૦૨૨ સોમવાર (વિ. સં. ૨૦૭૮ ચૈત્ર વદ ૧૦) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને સક્ષમ સંસ્થા,વડોદરાના સંયુકત ઉપક્રમે ઓટીઝમ,સેરિબ્રલ પાલ્સી , બૌદ્ધિક અસમર્થતા અને બહુવિધ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના માતા – પિતા વાલીઓના લાભ માટે લીગલ ગાર્ડીયનશીપ વિષયક કાર્યશાળા જિલ્લા ન્યાયાલય સંકુલ,વડોદરા ખાતે રવિવારે યોજાઈ હતી. આ કાર્યશાળામાં અંદાજે ૧૨૫ વ્યકતિઓએ ભાગ લીધો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરાના સેક્રેટરી સહ સીનીયર સીવિલ જજ શ્રી વિશાલ ગઢવીએ દિવ્યાંગોને સ્પર્શતા વિવિધ કાયદાઓની તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વિશે જાણકારી આપી હતી.
આ કાર્યશાળામાં સક્ષમ વડોદરાના સચિવશ્રી વ્યોમેશ દવેએ સક્ષમ સંસ્થા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સમાજ સુરક્ષા વિભાગના પ્રોબેશન ઓફિસરશ્રી કિરણભાઈ રાઠોડે દિવ્યાંગો માટેની સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મયંક ત્રિવેદીએ નેશનલ ટ્રસ્ટ અંતર્ગત મનોદિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓના લીગલ ગાર્ડીયનની નિમણૂંક કરવામાં આવે છે તેની વિવિધ જોગવાઈઓની વિગતવાર માહિતી આપી હતી. સક્ષમ વડોદરાના કોષાધ્યક્ષ શ્રી નવીન કરેચાએ લીગલ ગાર્ડીયનશીપની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિસ્તૃત છણાવટ પીપીટી દ્વારા કરી આ વિષયની સમજ આપી હતી. સક્ષમના સક્રિય સભ્ય શ્રીમતી હીના પટેલે આભાર વિધિ કરી હતી.રાષ્ટ્રગીત ગાન સાથે લીગલ ગાર્ડીયન કાર્યશાળા સંપન્ન થઈ હતી.
જે લોકોને નેશનલ ટ્રસ્ટમાં સમાવિષ્ટ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને લીગલ ગાર્ડીયનશીપ મેળવવા સારૂ thenationaltrust.gov.in વેબસાઈટની મુલાકાત લેવા અથવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પ્રથમ માળ, સી – બ્લોક, નર્મદા ભવન, જેલ રોડ, વડોદરાની મુલાકાત લેવા જણાવાયું છે.