વડોદરામાં વાહનની ટક્કરથી વિશાળકાય મગરમચ્છ ઘાયલ
વડોદરા, રાજ્ય સહિત દેશભરમાં વાહન અકસ્માતની ઘટનાઓ તો રોજ સાંભળવા મળતી હોય છે, પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે, વાહનની ટક્કરે પાણીમાં રહેતો મગ્ગર ઈજાગ્રસ્ત થયો છે. કઈંક આવી જ ઘટના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં બની છે. અહીં વાહનની ટક્કરે મગરમચ્છ ઈજાગ્રસ્ત થયો છે. જેની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તા ૨૫/૧૧/૧૯ ના રાત્રે ૩ઃ૩૦ કલાકે વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટના હેલ્પ લાઈન નંબર પર દુમાડથી છાણીની વચ્ચે નેશનલ હાઇવે નંબર ૮ ઉપર ત્યાના સ્થાનિક રેહવાસીનો કોલ આવ્યો હતો કે રોડ પર મગર આવી ગયો છે, તો તરત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ સ્થળ પહોંચી ગયા હતા અને જોયુ તો મગરને માથા ઉપર ઇજા થયેલી હતી, જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વનવિભાગના કાર્યકરોએ ૮.૫ ફુટના મગરને સહી સલામત રેસ્ક્યુ કરી વનવિભાગને સુપ્રત કર્યો છે.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા મગરને ઇજા કેવી રીતે થઈ પુછતા જાણવા મળ્યુ કે, મગર રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે મોટી ગાડીની ટક્કર વાગતા તેને ઇજા પહોંચી છે અને વનવિભાગમાં તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ચોમાસા બાદ પણ જાહેર રસ્તાઓ પર મગર અચાનક દેખાઈ આવે છે અને રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચે છે ત્યારે સ્થાનિકોમાં ભય વ્યાપી જાય છે. આમ એક જ સપ્તાહમાં ૩ મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થઇ રહેલી વિશ્વામિત્રી નદીમાં ૩૦૦થી વધુ મગરોનો વસવાટ છે અને નદીના આસપાસના વિસ્તારોમાં અવાર નવાર મગરો જાહેર માર્ગો પર આવી જાય છે અને આજ રીતે જાહેર રસ્તા પર આવી પહોંચેલો વિશાળ મગર વાહનની ટક્કરે ઈજાગ્રસ્ત થયો છે.