વડોદરામાં વુડાના આવાસમાં ચાલતા દારૂના અડ્ડા પર સ્થાનિકોની જનતા રેડ
વડોદરા, દંતેશ્વરના સ્થાનિક રહીશો દ્વારા વુડાના આવાસમાં ધમધમતા બુટલેગર ભીમના દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. સ્થાનિક રહીશોએ બુટલેગરનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની જાણ મકરપુરા પોલીસને થતાં રહીસહી આબરૂ બચાવવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિદેશી શરાબ અને બિયરનો રૂા.૬૦ હજારનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર ભીમની ધરપકડ કરી હતી.
શહેરના દંતેશ્વર રીંગરોડ પર આવેલા વુડાના આવાસમાં છેલ્લા કેટલાંક સમયથી પોલીસ સાથેે સાંઠગાંઠથી બુટલેગર ભીમ અને તેના સાગરીત અનિલ ઉર્ફે ઘોડો લાલ બહાદુર અને મીને વિદેશી શરાબનો વેપલો કરતા હતા. જેને લઈને સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવી પડતી હતી.
મહિલાઓના ઘરની બહાર પણ નીકળતા ગભરાતી હતી તેમના બાળકો પણ ખુલ્લી જગ્યામાં રમી શકતા નહોતા. બુટલેગર ભીમનો ત્રાસ ખુબ જ વધી ગયો હતો. જેથી તે ગાળો આપતો અને મારામારી પર ઉતરી આવતો હતો. સ્થાનિક રહીશોએ આ પહેલાં પણ પોલીસને જાણ કરી હતી.
પરંતુ પોલીસે જ બુટલેગરને આગવી જાણ કરી દેતા પોલીસની રેડ પડે તે પહેલાં જ બુટલેગર મુદ્દામાલ સગવગે કરી દેતો હતો. અને પોલીસના હાથમાં કાંઈ આવતુ નહોતુ. પોલીસે રેડ કરી નો સંતોષ માની લીલા તોરણે પાછા વળી જતા હતા. દરમ્યાનમાં આ વખતે સ્થાનિક રહીશોએ ભેગા મળીને બુટલેગર ભીમના અડ્ડા પર જનતા રેડ કરી હતી.
જનતા રેડ દરમ્યાન બુટલેગરનો રૂા.૬૦ હજારનો વિદેશી શરાબ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસેે પોતાની રહીસહી આબરૂ બચાવવા માટેે દોડી ગઈ હતી. અને બુટલેગર ભીમ અને તેના સાગરીતો સામે ગુનો નોંધી બુટલેગર ભીમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.