વડોદરામાં સૂરસાગર તળાવમાં ફરીથી બોટીંગ શરૂ કરવા દરખાસ્ત
વડોદરા, શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવને ૩ર લાખના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું છે. હવે ત્યાં શહેરીજનો અને પ્રવાસીઓ માટે તળાવના મધ્ય ભાગમાં બોટીંગ શરૂ કરવા કોર્પોરેશન જઈ રહી છે. જે અંગેની એક દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાઈ છે. જે મંજૂર થયેથી ટુંકમાં જ સુરસાગરમાં બોટીંગ શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૯૩માં સુરસાગરમાં બનેલી બોટિંગ દુર્ઘટનામાં ૩ર લોકોએ જીવ ખોયા હતા ત્યારથી બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. ફરીથી શરૂ થવા જઈ રહ્યું છે જે નગરજનો માટે ખુશીના સમાચાર છે.
કોર્પોરેશનના મેયર કેયૂર રોકડીયાએ સૂચન કરતાં કહ્યું કે, અમદાવાદનાં કાંકરિયા તળાવમાં બોટીંગ સુવિધા માટે જે નીતિ- નિયમો નકકી કરાયા છે જેનું માર્ગદર્શન મેળવ્યું છે. જે માટે કેટલાક નિયમો નકકી કરાયા છે. બોટિંગ માટે જે સંચાલક આવે તેને પોલીસ અને ફાયર સેફટી વિભાગના અભિપ્રાય મુજબ કોર્પોરેશનના નામનો વીમો લેવાનો રહેશે.
બોટીંગને લગતી તમામ કામગીરી જેવી કે ઈન્ફ્રાસ્ટ્રકચર, સીસીટીવી, પ્લેટફોર્મ કાઉન્ટર વગેરે તમામ ખર્ચ સંચાલકે ભોગવવાનો રહેશે. ટિકિટની આવકમાંથી કોર્પોરેશને આપવા પાત્ર રકમ જે ટકા નકકી થાય તે મુજબ ભાવપત્ર નિયત કરાશે.