Western Times News

Gujarati News

 વડોદરામાં હર ઘર તિરંગાને પ્રચંડ પ્રતિસાદ

નાગરિકો પોતાના ઘરમાં, વેપારધંધાના સ્થળે તિરંગો લહેરાવી અનેરી દેશભક્તિના દર્શન કરાવ્યા

આઝાદીના અમૃત કાળે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લો તિરંગામય બની ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક ઘરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા હર ઘર તિરંગા અભિયાન મારફત આપેલા આહ્વાનને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. અહીંના નાગરિકો પોતાના ઘરમાં તિરંગો લહેરાવી અનેરી દેશભક્તિના દર્શનકરાવ્યા છે.

સમગ્ર દેશની સાથે વડોદરામાં હર ઘર તિરંગા અભિયાનના રંગે લોકો રંગાઇ ગયા છે. વહેલી સવારથી જ નાગરિકો પોતાના ઘરે રાષ્ટ્રીય ધ્વજને પૂરા આદર સાથે લહેરાવતા જોવા મળ્યા હતા. ખાસ કરીને શાળાના છાત્રો, બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળતો હતો. રાજ્ય સરકાર દ્વારા ગોઠવાયેલી વિતરણ વ્યવસ્થાથી ખરીદાયેલા તિરંગાનો નાગરિકોએ વ્યાપક લાભ લીધો હોવાનું મળ્યું હતું.

શહેરીની ઉંચી ઇમારતોથી માંડી અંતરિયાળ ગામની વાડીઓમાં આવેલા નાના શેડ ઉપર, મોટા મોલ્સ, શોપિંગ સેન્ટરથી લઇ નાની રેંકડીઓ, સરકારી ઇમારતોથી માંડી શાળાઓ, મહાશાળાઓ ઉપર તિરંગો છવાઇ ગયો છે. સરકારી, બિનસરકારી અને શૈક્ષણિક સંગઠનો દ્વારા હર ઘર તિરંગા અભિયાનને ધ્યાને રાખીને પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું.

વડોદરા શહેરના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી સહિત પદાધિકારીશ્રીઓ દ્વારા આ અભિયાનમાં નેતૃત્વ કરવામાં આવ્યું છે. આ મહાનુભાવોએ પણ  પોતાના ઘરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.