વડોદરામાં હસ્તકળા પ્રદર્શનીનો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કરાવ્યો પ્રારંભ

વડોદરા : શહેરની સૂર્યા પેલેસ હોટેલ ખાતે હસ્તકળાનો કસબ જાણનાર હુન્નરમંદ કારીગરોને પ્રોત્સાહન અને રોજગારી પૂરું પાડવાના આશયથી ક્રાફ્ટરૂટ્સ સંસ્થા દ્વારા આયોજિત હસ્તકળા પ્રદર્શનીને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.
હસ્તકળા આપણી કલા-સંસ્કૃતિ અને વારસાનો મહત્વપૂર્ણ અંગ હોવાનુ જણાવતા રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે, દેશના ગૌરવ અને ઓળખ સમી આપણી કલા-સંસ્કૃતિને જીવંત રાખવાનું અને આપણી ધરોહરને સાચવી રાખવાનું આ હસ્તકળા કારીગરી કરી રહ્યા છે. તેમજ દુનિયાભરમાં ભારત જેટલી કોઈ પણ દેશમાં આટલી વિવિધતાપૂર્ણ કળા જોવા મળતી નથી. ત્યારે આ કારીગરોને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ મળે અને તેના માધ્યમથી તેમના પરિવારને રોજગારીને તક ઉપલબ્ધ થવાની સાથે રાષ્ટ્રની આર્થિક ઉન્નતિનું મહત્વપૂર્ણ કાર્ય થશે. આમ, જ્યારે પરિવાર સુખી સમૃદ્ધ બનાવાની સાથે દેશ પણ સમૃદ્ધ બનશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સમાજમાં ઉચ્ચ અને નિમ્ન વર્ગ વચ્ચે રહેલી ખાઈ સમવી જોઈએ અને સમાજનો દરેક વર્ગ સાથે મળીને તેમજ એક બીજાના દુ:ખ દર્દ પરસ્પર વહેંચીને સમાજને આર્થિક-સામાજિક ઉન્નતિના એક નવા માર્ગ પર આગળ ધપાવવો રાષ્ટ્રના વિકાસ માટે અનિવાર્ય છે, તેમ શ્રીમતી પટેલે જણાવ્યું હતુ.
રાજકીય કારકિર્દીના વિકાસમાં એક સમયના રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી રહેલા શ્રીમતી આનંદીબેન પટેલનો ઋણ સ્વીકાર કરતા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે હસ્તકળા કસબ જાણનાર કારીગરોને રોજગારી અને મંચ પૂરું પાડવાનું કાર્ય કરનાર કરનાર શ્રીમતી અનાર પટેલની પ્રવૃત્તિને બિરદાવી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં પડેલી કળાને ઉજાગર કરવાની અને લુપ્ત થતી હસ્તકળાને જતન અને બચાવવાની સાથે હસ્તકળાના કારીગોને રોજગારી પૂરી પાડવાના ક્રાફ્ટરૂટસ સંસ્થાના પ્રયોસોને કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે બિરદાવ્યા હતા. સાથે જ તેમણે તત્કાલિન મુખ્યમંત્રી શ્રીમતી આનંદી પટેલ સાથે કામ કરવાના સંસ્મરણોને વાગાળ્યા હતા. અને મહિલાઓ માટે શ્રીમતી આનંદીબેન પટેલને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.
ક્રાફ્ટરૂટ્સ સંસ્થાના શ્રીમતી અનાર પટેલે જણાવ્યુ કે, લોહી કરતા પ્રેમનો સંબંધ હોવાનો ઉંચો હોય છે ત્યારે આ હસ્તકળાના કારીગરો માત્ર અહિંયા વસ્તુઓ વેચવા પૂરતા મર્યાદિત રહેશે નહી પરંતુ એક પરસ્પર સ્નેહનો સંબંધ સ્થાપિત કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ખ્યાતનામ મૂર્તિકાર શ્રી ધીરૂભાઈ પટેલ આપણી વિવિધતા ભરેલી કળા-કસબનું જતન કરવું અને તેને પ્રોત્સાહિત કરવી સમાજ અને સંસ્કૃતિના સંવર્ધન માટે અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજભાષા સમિતિના કન્વીનર અને સાંસદ શ્રીમતી રીતા બહુગુણા જોષી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, અગ્રણી શ્રીમતી ચંદાબેન અને હસ્તકળા કારીગરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.