વડોદરામાં હેલ્મેટ નહી પહેરેલા યુવાને ટ્રાફિક જવાનને ઘસડયો
અમદાવાદ : વડોદરા શહેરમાં નવા ટ્રાફિક નિયમોની અમલવારી દરમ્યાન ટ્રાફિકના એક પોલીસ જવાનને બાઇક ચાલક યુવકે ૨૫ ફૂટ સુધી ઘસડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જવાનને ગંભીર ઇજા પહોંચી હતી. હેલ્મેટ પહેર્યા વિના પસાર થતાં બાઇક ચાલકને ટ્રાફિક પોલીસે રોકવાનો પ્રયાસ કરતા યુવકે બાઇક ભગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ટ્રાફિક જવાને તેની બાઇક પર લટકીને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકે તેની બાઇક જારદાર રીતે ભગાવી હતી અને ટ્રાફિક જવાનને બાઇકની પાછળ ૨૫ ફુટ સુધી ઘસડયો હતો.
#CCTV footage of injured Traffic Police officer
#Police pic.twitter.com/8ynVJp3Dg3— VNM TV (@VNMTV_vadodara) November 5, 2019
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે પોલીસે યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ કરાવવા માટે ટ્રાફિક જંક્શનો ઉપર પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. આજે સવારથી પોલીસનો એક કાફલો ફતેગંજ નરહરી હોસ્પિટલ સર્કલ પાસે તૈનાત હતો. દરમ્યાન એક બાઇક ચાલક હેલ્મેટ પહેર્યા વિના પસાર થતાં ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઇ રાઠવાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
નિયમનો ભંગ કરનાર બાઇક ચાલક દંડથી બચાવવા માટે પોલીસ જવાનને ચકમો આપીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ જવાન મુકેશ રાઠવાએ તેનો પીછો કરી પકડવાનો પ્રયાસ કરતા તેઓ બાઇક સાથે ૨૫ ફૂટ સુધી ઘસડાયા હતા. જેમાં તેઓને થાપામાં અને પગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પોલીસ જવાનને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ એ.સી.પી. ટ્રાફિક અમીતા વાનાણીને થતાં તુરંત જ તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
એ.સી.પી. ટ્રાફિક અમીતા વાનાણીએ જણાવ્યું હતું કે, ફતેગંજ નરહરી સર્કલ પાસેથી બાઇક ચાલક હેલ્મેટ પહેર્યા વિના પસાર થતો હતો. તેને ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઇ રાઠવાએ રોકવાનો પ્રયાસ કરતા બાઇક ચાલક ઉભો રહ્યો ન હતો અને બાઇક હંકારી મૂકી હતી. જેનો પીછો કરીને મુકેશભાઇ પકડવા જતાં તેઓ બાઇક સાથે ઘસડાયા હતા અને તેમાં તેઓને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
નરહરી હોસ્પિટલ પાસે બનેલી ઘટનામાં પોલીસ જવાનને ઇજા પહોંચાડનાર બાઇક ચાલકનું નામ રિકીન સોની હોવાનું બહાર આવ્યું છે. સયાજીગંજ પોલીસે દ્વારા રિકીન સોનીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, ગઇકાલે સોમવારે કાલાઘોડા ખાતે હેલ્મેટ બાબતે જ તુષાર શાહ નામના વ્યક્તિએ ભારે હોબાળો મચાવ્યો હતો.