વડોદરામાં હોસ્પિટલમાં રૂ.૧.૨૪ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરાઇ
વડોદરા: વડોદરા શહેરની ટ્રાઈકલર હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલી મહિલાએ તકિયા નીચે મૂકેલી રૂપિયા ૧.૨૪ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મૂકેલી બેગની ચોરી થઇ હતી. આ મામલેે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ વાઘેલા અને તેમની માતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તબિયત લથડતાં માતા-પુત્ર સારવાર માટે ગેંડા સર્કલ ખાતે આવેલી ટ્રાઈકલર હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલ સ્ટાફે સીટી સ્કેન અર્થે માતાના ઘરેણા કઢાવી તેનું લિસ્ટ બનાવી સહી કરાવી પ્લાસ્ટિકની બેગમાં પેક કરી પુત્રને આપ્યા હતા.દાગીનામાં રૂપિયા ૮૦ હજારની કિંમતની ચાર સોનાની બંગડી, ૨૪ હજારની કિંમતની સોનાની ચેન, ૧૧ હજારની કિંમતની સોનાની વીંટી, ૮ હજારની કિંમતની સોનાની બુટ્ટી તથા ૧ હજારની કિંમતના ચાંદીના છડા મળીને કુલ ૧.૨૪ લાખની મત્તા હતી.
દરમિયાન ચોથા માળે આવેલા આઇસીયુ વોર્ડમાં દાખલ કરાતા સોનાના દાગીનાની બેગ તેમની માતા તકિયા નીચે મૂકી સૂઈ ગયા હતા. સવારે દાગીનાની બેગ મળી ન આવતા હોસ્પિટલ સ્ટાફ તથા કર્મચારીને પૂછપરછ કરી હતી, પરંતુ, દાગીનાની બેગ અંગે કોઈ કડી મળી ન હતી. માતા અને પુત્ર કોરોના પોઝિટિવ હોવાથી અને હોસ્પિટલમાંથી રજા બાદ હોમ ક્વોરન્ટીન થયા હતા, જેથી પોલીસ ફરિયાદમાં વિલંબ થયો હતો. માતા અને પુત્ર સંપૂર્ણ સ્વસ્થ થતાં તેઓએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઘટના સમયના સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.