વડોદરામાં ૧.૦૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ૨ બુલટેગર ઝડપાયા
વડોદરા: કોરોના કહેર વચ્ચે વડોદરામાં દેશી અને વિદેશી દારૂના ધંધામાં તેજી ચાલી રહી છે. કોરોનાની કામગીરીમાં પોલીસ તંત્ર વ્યસ્ત હોવાથી બુટલેગરો દ્વારા તેનો ફાયદો ઉઠાવી દારૂનો ધીકતો ધંધો કરી રહ્યા છે. વડોદરાના આજવા રોડ ઉપર પોલીસે દારૂના થઈ કટિંગ સમયે દરોડો પાડીને ૧.૦૬ લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જયારે એકને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
વડોદરા શહેરના આજવા રોડ સ્થિત મહાકાળી સોસાયટી નજીક ખુલ્લી ઓરડીમાં વિદેશી દારૂની પેટીઓ કટિંગ કરતા સમયે પોલીસ ત્રાટકતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પાણીગેટ પોલીસે ૧.૦૬ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખસને ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
પાણીગેટ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન કંટ્રોલ તરફથી વર્ધી મળી હતી કે, આજવા રોડ પર પરિવાર સ્કૂલની પાછળ આવેલી મહાકાળી સોસાયટીમાં મહેશ ગીરીશભાઈ વાણંદ, રાહુલ જયંતીભાઈ રાવળ અને અલ્પેશ ઠાકોર ભાઈ રોહિત (ત્રણેય રહે, કિશનવાડી, વડોદરા) વિદેશી દારૂનો ધંધો કરે છે અને હાલમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો આવ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે મહાકાળી સોસાયટી નજીક જય અંબે ફળિયાના નાકા પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં ખુલ્લી ઓરડીમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ સાથે એક શખ્સ પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં અલ્પેશ ઠાકોરભાઈ રોહિત હોવાનું બહાર આવ્યું હતું. અને દારૂનો જથ્થો મહેશ વાણંદે મંગાવી તેનો મિત્ર રાહુલ રાવળ સગેવગે કરવાનો હતો.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અલ્પેશ રોહિત અને રાહુલ રાવળની ધરપકડ કરી હતી, જ્યારે મહેશ વાળંદને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે સ્થળ તરીકે પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા ૧,૦૬,૮૦૦ની કિંમતની ૯૦૦ નંગ બોટલો કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.