વડોદરામાં SBIની માંડવી બ્રાન્ચમાં ૩૦માંથી રર કર્મચારીઓ કોરોનાગ્રસ્ત
વડોદરા, વડોદરા શહેરમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બે હજારનો આંક વટાવીને કોરોનાગ્રસ્તોની સંખ્યા રરપર પર પહોંચી ગઈ છે. જેના પગલે અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા ૮૬૩૪૬ પર પહોંચી ગઈ છે. તેની સામે ૯૩૭ વ્યક્તિઓને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી ડિસ્ચાર્જ લેનારાની કુલ સંખ્યા ૭૬૧૯૭ થઈ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વિવિધ વિસ્તારમાંથી ૧૧૧૬ર વ્યક્તિઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી રરપર વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાનિક મુખ્ય બ્રાન્ચમાં છેલ્લા બે દિવસથી ત્રીસ કર્મચારીઓ પૈકીના રર જેટલા કોરોનાથી સંક્રમિત થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું
જેના પગલે બુધવારે સવારથી બેન્કનું કામકાજ સ્થાનિક ગ્રાહકો માટે સ્થગીત કરી દેવામાં આવ્યું છે. આ અંગે બેંક દ્વારા દરવાજા ઉપર જ નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં આજથી બેંકનું કામકાજ બંધ હોવાનું જણાવ્યું છે.
આ ઉપરાંત વડોદરામાં ભિક્ષુક કેન્દ્રમાં પણ કોરોનાએ પગ પેસારો કરી દીધો છે જેમાં ફરજ બજાવતા ચાર કર્મચારી સહિત કુલ ર૧ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સ્ટાફના ચાર વ્યક્તિઓને રજા આપી તેમની ઘરે સારવાર ચાલી રહી છે જયારે ૧પ ભિક્ષુકોને ભિક્ષુક કેન્દ્રમાં કવોરેન્ટાઈન કરી તબીબી માર્ગદર્શન હેઠળ તેમની સારવાર શરૂ કરાઈ છે.