Western Times News

Gujarati News

વડોદરા: એકતરફી પ્રેમમાં પાળિયાના 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીની હત્યાઃ આરોપી ઝડપાયો

વડોદરા, વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાતના સમયે એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતાં શહેર પોલીસતંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી.

પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. હત્યારાએ વિદ્યાર્થિનીને પાળિયા (આદિવાસીઓનું ખેતીમાં ઉપયોગમાં લેવાતું એક ઓજાર)ના 10થી વધુ ઘા માર્યા હતા. વિદ્યાર્થિનીના પરિવારે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસીની સજાની માગ કરી છે.

એડિશનલ સીપી ચિરાગ કોરડિયા અને ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજા તેમજ એસીપી ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વડોદરા ક્રાઇમ બ્રાંચે તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર કલ્પેશ જયંતીભાઇ ઠાકોર (રહે.265, પંચશીલનગર, માણેજા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પાળિયાથી 10થી વધુ ઘા મારીને વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી.

એડિશનલ સીપી ચિરાગ કોરડિયાએ આ બનાવની સનસનીખેજ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી, આથી તેને ગઇકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકતરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો હતો.

આ બંને વચ્ચે 3 વર્ષ પહેલાં મિત્રતા હતી, પછી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યાર બાદ તે ગોધરા ખાતે ભણવા માટે જતી રહી હતી અને ત્યાર બાદ વડોદરા પરત ફરી હતી. તે બીજા છોકરા સાથે વાત કરતી હતી, પણ કલ્પેશ સાથે વાત કરતી નહોતી. કલ્પેશે મળવા નહીં આવે તો આત્મહત્યા કરવાની ધમકી હતી, જેથી યુવતી તેને મળવા ગઇ હતી. એ સમયે આવેશમાં આવીને હત્યા કરી નાખી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.