વડોદરા કલેક્ટર અને કમિશ્નર અનુપમસિંહે વીર શહિદ આરિફના પરિવારજનોને સાંત્વના પાઠવી
દુઃખની ઘડીમાં વીર શહીદ આરિફના પરિવારજનોને કોઇ પણ કામ-મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર તેમની સાથે ઉભું છે–કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ
વડોદરા તા.૨૩ જુલાઇ, ૨૦૧૯ (મંગળવાર) વતન ખાતર ફના થનાર શહેરના વીર મોહમ્મદ આરિફ સફીઆલમ પઠાણના રોશન પાર્ક ખાતેના નિવાસ સ્થાને કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને પોલિસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતે વીર શહિદના પરિવારજનોને મળીને સાંત્વાના પાઠવી દિલોસોજી વ્યક્ત કરી હતી. મહત્વનુ છે કે, વીર શહિદ આરિફે ૧૮-જમ્મુ કાશ્મીર રાઇફલમાં ફરજ બજાવતા પાકિસ્તાન તરફથી થયેલા સીજફાયરના ઉલ્લંઘનમાં ગોળી વાગતા શહિદી વહોરી હતી.
કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને પોલિસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતે વીર શહિદ આરિફની તસવીરને પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ વીર શહિદના પરિવારજનો સાથે નીચે બેસીને આરિફના પિતાશ્રી અને ભાઇઓ પાસે પરિવારના સભ્યો અંગે પૃચ્છા કરી હતી. તેમજ શ્રીમતિ અગ્રવાલે વીર શહિદના વિલાપ કરતા માતાશ્રીને આશ્વાસન આપ્યું હતું.
શ્રીમતી અગ્રવાલ જણાવ્યું હતું કે, શહેરનો યુવાન દેશની રક્ષા કાજે શહિદ થયો છે. ત્યારે વીર શહિદના માતા-પિતા અને પરિવાજનોને મળી આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવીએ છીએ. પરિવારજનો સાથે ચર્ચા થયા મુજબ જ્યારે હજુ એક યુવાન શહિદ થયો છે. ત્યારે વીર શહિદનો નાનો ભાઇ અને આ વિસ્તાર અન્ય યુવાનો પણ વતનની સેવા કરવાની મહેચ્છા ધરાવે છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર તેમને કોઇ પણ કામ-મદદ માટે તેમની સાથે ઉભું છે.
પોલિસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત કહ્યું કે, દુઃખની આ ઘડીમાં વીર શહિદના આરિફના પરિવાર સાથે છીએ. પરંતુ જ્યારે કોઇ માતા-પિતાએ યુવાન દિકરો ગુમોવ્યો હોય તેનુ દુઃખ હોય જ. સાથે દેશની રક્ષા કરતા પ્રાણની આહુતિ આપવી એ પણ ગર્વની વાત છે. વડોદરા પોલીસ તેમને તેમની બહાદુરી માટે સેલ્યુટ કરે છે.