વડોદરા: કારેલીબાગ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતાં ચાર દુકાન ખાખ
વડોદરા, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુકતાનંદ ત્રણ રસ્તા પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં આજે મીટરમાં શોર્ટસર્કિટ થતાં ચાર દુકાનો ભસ્મીભૂત થઇ ગઇ હતી જેને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ છે.
વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી કોમ્પલેક્ષ માં આજે બપોરના બાર વાગ્યાના સુમારે એપાર્ટમેન્ટના સામૂહિક મોટરોમાં શોર્ટ સર્કિટ થયું હતું.
જેને કારણે આગની શરૂઆત થતાં ધીરે ધીરે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભાગદોડ મચી ગઇ હતી સ્થાનિક વેપારીઓએ તેમની દુકાનોમાં મુકેલા ગેસ બુઝાવવાના બોટલનો પણ ઉપયોગ કરી આગ બુઝાવવા નો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ આગ વધુ પ્રસરતા તાત્કાલિક એમજીવીસીએલ અને ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો જે બાદ ફાયરબ્રિગેડની 4 ફાયર ફાઇટર અને જવાનોની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા સતત એક કલાક સુધી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આગ કાબૂમાં આવી હતી. મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભીષણ આગને કારણે ચાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ ઉપરના માળ ખાતે આવેલી ઓફિસ અને એક ફ્લેટને પણ નુકસાન થયું હતું.