Western Times News

Gujarati News

વડોદરા ખાતે કિસાન સહાય યોજનાનું અમલીકરણ થયું

કુદરતી આફતોથી ખેત પાકોને થતાં નુકશાન સામે ખેડૂતોને વિનામૂલ્યે વીમા સુરક્ષા છત્ર આપવાની અનોખી પહેલ

ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના સાવલી ખાતે આયોજિત ખેડૂત સભામાં દેશમાં ખેડૂત કલ્યાણની નવી દિશા ચીંધનારી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના જિલ્લામાં અમલીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સભામાં રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ માટેની સાત યોજનાઓ અને તેના હેઠળ મળવાપાત્ર લાભોની વિગતવાર માહિતી ઉપસ્થિત ખેડૂતોને આપવામાં આવી હતી.

વીમા કંપનીઓની પ્રોફેશનલ નીતિઓને લીધે રાજ્યના ખેડૂતો ને પ્રધાનમંત્રી પાક વીમા યોજના નો લાભ ધરાતલ પર ન મળી શક્યો પરંતુ રાજ્ય સરકારે હાર માન્યા વગર તેના વિકલ્પે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વર્તમાન ખરીફ મોસમમાં અમલમાં મૂકી છે તેનો ઉલ્લેખ કરતાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આ યોજના ખૂબ જ પારદર્શક,સરળ અને ઝડપી સહાય યોજના છે જેનો લાભ રાજ્યના ખેડૂત ખાતેદારોને એક રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વગર મળે એ એની આગવી ખાસિયત છે.રાજ્યના ખેતરોને નર્મદા જળ થી સિંચવાના વ્યાપક આયોજન થી લઇ શૂન્ય વ્યાજ દરે ધિરાણ સુધીની ખેડૂત કલ્યાણ યોજનાઓની તેમણે વિગતવાર જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર હાલમાં દેશમાં સહુ થી વધુ ૯.૩ ટકા જેટલો છે અને ગુજરાતમાં વાર્ષિક ૧ લાખ ૭૦ હજાર કરોડ જેટલું કૃષિ અને ખેત ઉત્પાદન થાય છે.

મુખ્યમંત્રી જે પણ ર્નિણય લે છે એ ખેડૂતોને હાર્દમાં રાખીને લે છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતોની જમીન હડપનારા ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકાર ખૂબ કડકાઈ થી વર્તશે અને નવી જોગવાઈ હેઠળ તેમને ૭ થી લઈને ૧૪ વર્ષ કે તેથી વધુ સજા થશે. ૧૯૮૫ના પાસાના કાયદા હેઠળ હવે વ્યાજખોરો,જુગારના અડ્ડા ચલાવનારા ,છેડતી કરનારા અને સાયબર ગુના કરનારાઓ સામે પગલાં લેવાશે.લોકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર જરૂર પડ્યે વર્તમાન કાયદાઓને વધુ કડક બનાવશે અને નવા કાયદા અમલમાં મૂકશે એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાર થી રાજ્યમાં ખેતી પર સહુથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે એનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ગુજરાતે વાવણીથી લઈને વેચાણ સુધી ખેડૂતોની તકલીફોના સંકલિત ઉકેલનું આયોજન કર્યું છે. તેમણે લોકપ્રશ્નોના નિરાકરણ માટેની ધારાસભ્ય કેતનભાઈની તત્પરતાને વખાણી હતી. રાજ્યના પોલીસ તંત્રનું કોરાનાનું સંક્રમણ અટકાવવાની કામગીરીમાં ખૂબ મહત્વનું યોગદાન રહ્યું અને સહુની પ્રશંસાને પાત્ર બન્યું તેવી લાગણી વ્યક્ત કરવાની સાથે ગૃહ મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના અસરકારક પગલાંથી કોરોનાનો મૃત્યુ દર ખૂબ ઘટાડીને લોકોનું જીવન બચાવી શકાયુ છે.

પોઝિટિવ કેસો દર ઘટીને ૧.૩૬ ટકા થયો છે અને દર્દીઓ ને સાજા થવાનો દર નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે.કોરોનાની નવી સમાજ વ્યવસ્થાનો અમલ કરી તેનાથી સુરક્ષિત રહીએ એવો તેમણે અનુરોધ કર્યો હતો. નોંધ લેવી ઘટે કે ગુજરાત સરકારે વિવિધ પ્રકારની કુદરતી આફતોથી ખેતી અને પાકોને થતાં નુકશાન સામે ખેડૂતોને વિનામૂલ્યે વીમા સુરક્ષા છત્ર આપવાની દેશમાં જે પહેલ કરી છે તેને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ઓળખ આપવામાં આવી છે. ખેડૂતોની આવક બમણી કરવી અને કુદરતી વિપદાઓથી પાકને નુકશાન થવાના જોખમો સામે ખેડૂતોને રક્ષણ આપવા માટે ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે.તેની કડીરૂપે તાજેતરમાં દેશમાં પહેલરૂપ ગણાય તેવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાનો લાભ ખરીફ મોસમમાં રાજ્યના વિવિધ આફતોથી પાકને નુકશાન થવાને લીધે મુશ્કેલીમાં મુકાયેલા તમામ ખેડૂતોને મળવાનો છે. આ યોજનાના લાભાર્થીઓ તરીકે નાના- મોટા, સીમાંત,ફોરેસ્ટ રાઇટ એકટ હેઠળના સનદ ધારક જેવા તમામ ખેડૂતોને યોજનાના ઠરાવેલા માપદંડો પ્રમાણે મળવાપાત્ર રહેશે અને વીમા સુરક્ષા છત્ર જેવી આ યોજનાનો લાભ ખેડૂતોને કોઈપણ પ્રકારનું પ્રીમિયમ ભર્યા વગર વિનામૂલ્યે મળશે. આ યોજના હેઠળ અનાવૃષ્ટિ(દુષ્કાળ),અતિવૃષ્ટિ,અને કમોસમી વરસાદ જેવા જોખમો સામે પાકને નુકશાન નો સમાવેશ નિર્ધારિત માપદંડો પ્રમાણે કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ખેડૂતો માટે આત્મ ર્નિભર યોજના અમલમાં મૂકી છે.જેના પાંચ નવીન ઘટકોમાં વડોદરા જિલ્લાના ૧૦,૧૦૦ ખેડૂતોની અરજીઓ લાભને પાત્ર જણાઈ છે. વડોદરા જિલ્લાના ખેડૂત ખાતેદારોની સંખ્યા ૨.૦૯ લાખ છે અને વર્તમાન ખરીફ મોસમમાં ખેતીને નુકશાન કરતી કોઈપણ ઘટના પ્રસંગે નિર્ધારિત માપ દંડોને સુસંગત આ પૈકી કોઈપણ ખાતેદાર તેના લાભને પાત્ર ઠરશે. ગુજરાતના કૃષિ મહોત્સવ ખૂબ સફળ રહ્યા છે અને ખેડૂતોને તેનાથી ખૂબ લાભ થયો છે એવી લાગણી વ્યક્ત કરતા ધારાસભ્ય કેતનભાઈ એ જણાવ્યું કે ગુજરાત સરકાર સતત ખેડૂતોને પડખે રહેનારી સરકાર છે.

હાલમાં પણ વધુ વરસાદથી સાવલી તાલુકામાં તુવેરના પાકને નુકશાન થયું છે ત્યારે જિલ્લા પંચાયતે નુકશાનનું સર્વેક્ષણ ચાલુ કરાવી દીધું છે. તેમણે મંજુસરનું અલગ પોલીસ સ્ટેશન આપવા લોકો વતી માંગ કરી હતી. જિલ્લા પંચાયત અધ્યક્ષ ઇલાબહેન ચૌહાણે રાજ્ય સરકારની કિસાન કલ્યાણ નીતિ ની પ્રશંસા કરતાં ,મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડૂતોની સંરક્ષક બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

સાત દિવસમાં જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી તેનો ઉલ્લેખ કરવાની સાથે સહુને આવકારતા જિલ્લા વિકાસ અધિકારી અને હવાલાના કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ૨૦૧૮માં ઓછા વરસાદવાળા વડોદરા જિલ્લાના બે તાલુકાઓના ખેડૂતોને ૧૪ કરોડની સહાય ચૂકવી હતી. એમકેએસવાયનો અમલ વડોદરા જિલ્લાના તાલુકાઓને ત્રણ ક્લસ્ટર માં વહેંચી કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.