વડોદરા જિલ્લાના બાળકો માટે જીવન અને આરોગ્ય રક્ષક બન્યો છે શાળા આરોગ્ય કાર્યક્રમ
વડોદરા:સાંકરદા ગામની ધરતી પઢિયાર કે દુમાડની ધ્રુવી વાઘેલા,સિસ્વા ગામનો નક્ષ પરમાર, હાંસાપુરાનો ખુશ પાટણવાડીયા કે બાજવાની તેજલ કે કરચિયાનો હિમાંશુ પરમાર.. આ તમામ બાળકોના નામ, ગામ, ઉંમર અને પરિવાર જુદાં જુદાં ભલે હોય, એક વાત સમાન છે. આ તમામ બાળકો કોઈ ગંભીર બીમારી કે અંગ વિકૃતિ કે વિકલાંગતા આપતી શારીરિક ખામી થી પીડિત હતા. અને આ વાતની એમને કે એમના પરિવારને ખબર જ ન હતી. ભલું થાજો સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમનું કે એની તબીબી તપાસ દરમિયાન એમના આ રોગો અને ખામીઓની ખબર પડી અને સંવેદનશીલ રાજ્ય સરકારે માત્ર આ નિદાન થી સંતોષ ના માણતા એમને સ્વસ્થ અને તંદુરસ્ત કરવા માટે જરૂરી શસ્ત્રક્રિયા અને સારવાર વિનામૂલ્યે કરાવી અને શાળા આરોગ્ય કાર્યક્રમ ની સુખદ ફળશ્રુતિ રૂપે આ બાળકો આજે સ્વસ્થ જીવનના આશિષ પામ્યા છે.
સન ૨૦૧૬/૧૭ થી સન ૨૦૧૮/૧૯ ના ત્રણ વર્ષ અને વર્તમાન વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં આ કાર્યક્રમમાં થયેલા નિદાન ને પગલે ૩૯૨ જેટલા બાળકોની વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયા સરકારના ખર્ચે કરવામાં આવી છે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે ઉપર જણાવેલા સમયગાળામાં કુલ ૬૧૯ બાળકો હૃદયની નાની મોટી તકલીફો થી પીડાતા જણાયા. આ પૈકી જેમને જટિલ અને સંવેદનશીલ શસ્ત્રક્રિયા જરૂર છે એવા કુલ ૨૦૮ જેટલા બાળકોની હૃદયરોગ નિવારણની શસ્ત્રક્રિયા કરાવી આપવામાં આવી છે. તબક્કાવાર જેમને જરૂરી છે એવા તમામ બાળકોને સારવાર અને શસ્ત્રક્રિયા નો લાભ આપવાનું આયોજન છે.
એવી જ રીતે બાળ આરોગ્યના આ અભિયાન દરમિયાન ૯૨ જેટલાં જન્મજાત મુક બધિર બાળકો મળી આવ્યા. તેમની મુક બધિરતા નું નિવારણ કોકલીયર ઇમ્પલાંટ ની આધુનિક પરંતુ ખાસી એવી મોંઘી શસ્ત્રક્રિયા અને સ્પીચ થેરાપી થી થઈ શકે. જો કે એક કોકલિયેર ઇમ્પલાન્ટ નો ખર્ચ ૧૨ થી ૧૪ લાખ થાય છે. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર એ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૩૧ જેટલા બાળકોની આ ખામી નિવારવા કોક્લિયર ઇમ્પલાંટ ની શસ્ત્રક્રિયા કરાવી છે. તેની સાથે સ્પીચ થેરાપી જોડીને આ બાળકોમાં શ્રવણ શક્તિ અને વાચા પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. આમ, આ કાર્યક્રમ મુંગાને બોલતા કરવાનો અને બહેરાને સાંભળતા કરવાનો કાર્યક્રમ બની રહ્યો છે.\
ઘણાં બાળકો ફાટેલા હોંઠ અને તાળવાની અંગ વિકૃતિ સાથે જન્મે છે અને સર્જરી દ્વારા આ ખામી સુધારી શકાય છે જેના થી ચહેરાનો દેખાવ પણ સુધરે છે. અભિયાન દરમિયાન મળી આવેલા આવા બાળકો પૈકી ૧૦૬ બાળકોના ફાટેલા હોઠ અને તાળવા સાંધવાની પ્લાસ્ટિક અને કોસ્મેટિક પ્રકારની શસ્ત્રક્રિયા કરાવવામાં આવી છે અને તે પણ સાવ વિનામૂલ્યે. ક્લબ ફૂટ એટલે કે ગંઠાયેલા પગ એ અપંગતા પ્રેરક વિકૃતિ છે. અભિયાનના ભાગ રૂપે ૫૨ બાળકોની ક્લબ ફૂટ નિવારણ શસ્ત્રક્રિયા કરાવી આપવામાં આવી છે. આમ, શાળા આરોગ્ય કાર્યક્રમ સ્વસ્થ, અંગ વિકૃતિ કે વિકલાંગતા મુક્ત સમાજ નિર્માણના કામમાં અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યો છે.