વડોદરા જિલ્લાની 1500 થી વધુ દવાની દુકાનો હોમીયોપેથી અને આયુર્વેદિક દવાઓનું 12મી મે થી વેચાણ કરી શકશે
આ ઔષધો રોગ પ્રતિકાર શક્તિ વધારી કોવીડ સામે લડવામાં ઉપયોગી…
વડોદરા તા.૦૯ મે, ૨૦૨૦ (શનિવાર) તા.12મી મે થી વડોદરા શહેર અને જિલ્લાની 1500 થી વધુ દવાની દુકાનો કોવીડ ના અનુસંધાને આયુષ મંત્રાલયની ભલામણ પ્રમાણેની હોમીયોપેથી અને આયુર્વેદિક દવાઓનું નિર્ધારિત મહત્તમ વેચાણ કિંમતે વેચાણ કરી શકશે.આ સંદર્ભમાં શહેરી વિસ્તાર માટે વડોદરા મહાનગર પાલિકાએ અને જિલ્લાના ગ્રામ વિસ્તાર માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ જરૂરી જાહેરનામું બહાર પાડ્યું છે.
ઉલ્લેખનિય છે કે આયુષ મંત્રાલયની ભલામણના સંદર્ભમાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ સંબંધિત તંત્રો દ્વારા શહેરની 21 લાખની વસ્તીને અને જિલ્લાની 14 લાખની વસ્તીને આવરી લે એ રીતે હોમીયોપેથી અને આયુર્વેદિક ઔષધિઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે 12મી મે સુધીમાં પૂરું કરી દેવામાં આવશે.વિતરણ કરનારાઓ આ દવાઓ નો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપે છે.શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારતી આ દવાઓ કોરોના સામે લડવામાં પીઠબળ આપે છે.
દવાના વિક્રેતાઓ એ આ દવાઓ પરવાનેદાર ઉત્પાદકો પાસે થી જ ખરીદવાની રહેશે અને એમ.આર.પી.એટલે કે મહત્તમ વેચાણ કિંમતે જ એનું વેચાણ કરવાનું રહેશે.
ડો.વિનોદ રાવે આ બાબતમાં આજે વડોદરા દવા વિતરક મંડળના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ પ્રયાસની વિગતવાર સમજણ આપી હતી. તેમણે આયુષ મંત્રાલયની ભલામણોના અમલમાં સહયોગ આપીને કોવિડ સામેની લડાઇમાં તંત્રને સક્રિય સહયોગ આપવાની તત્પરતા બતાવી હતી.